સાયબર ફ્રોડથી મેળવેલાં નાણાંમાંથી અમેરિકન ડૉલર્સ ખરીદી વિદેશી નાગરિકને આપ્યા
ફ્રોડ માટે હોટેલ્સના વેઈટરોનાં નામે બૅન્ક ખાતાં ખોલાવનારા નાશિકના બે જણ પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાયબર ફ્રોડથી મેળવેલાં નાણાંમાંથી અમેરિકન ડૉલર્સ ખરીદી ઠગ ટોળકીએ વિદેશી નાગરિકને આપ્યા હોવાનું નાશિકથી પકડાયેલા બે આરોપીની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. નાગરિકોને છેતરીને નાણાં પડાવવા માટે પડાયેલા બન્ને આરોપીએ નાશિકની વિવિધ હોટેલ્સના વેઈટરોનાં નામે બૅન્ક ખાતાં ખોલાવ્યાં હતાં.
દક્ષિણ રિજન સાયબર પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ હિમાંશુ રવીન્દ્ર મોરે (21) અને પ્રેમ દાદાજી શેવાળે (18) તરીકે થઈ હતી. નાશિકના માલેગાંવ ખાતે રહેતા બન્ને આરોપી પાસેથી વિવિધ બૅન્કનાં 29 ડેબિટ કાર્ડ, 28 બૅન્ક ખાતાંની પાસબુક અને વેલકમ કિટ લેટર, આઠ સિમ કાર્ડ અને આઠ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યાં હતાં.
અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ મુંબઈના કોલાબા પરિસરમાં રહેતી મહિલા સાથે 14.23 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આરોપીઓએ ફેબ્રુઆરીના બે દિવસમાં જ મહિલાને વિવિધ બૅન્ક ખાતાંમાં આટલી રકમ ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હતી. વ્હૉટ્સએપ અને ઈ-મેઈલથી સંપર્ક સાધી મહિલાને પાર્ટ ટાઈમ જોબમાં સારા વેતનની લાલચ આપવામાં આવી હતી.
મહિલાએ જે બૅન્ક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેની તપાસમાં પોલીસ નાશિકના બન્ને આરોપી સુધી પહોંચી હતી.
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓએ નાશિકની વિવિધ હોટેલમાં કામ કરનારા તેમ જ મિત્રોને નામે બૅન્ક ખાતાં ખોલાવ્યાં હતાં. લોકોને ઠગી નાણાં પડાવવા માટે આ ખાતાંનો ઉપયોગ થતો હતો. ખાતાઓમાં જમા થયેલી રકમમાંથી અમેરિકન ડૉલર્સ ખરીદીને વિદેશી નાગરિક સુધી પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસ એ વિદેશી નાગરિકની માહિતી મેળવી રહી છે.