પુણે પોર્શ કાર અકસ્માતઃ બ્લડ સેમ્પલ બદલવા માટે રૂ. 3 લાખની લાંચ
પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં બનેલી પોર્શ કાર હિટ એન્ડ રન કેસમાં એક સનસનીખેજ ખુલાસો થયો છે. આ કેસમાં બે ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે કે બંનેએ આરોપી સગીરનો મેડિકલ રિપોર્ટ બદલવા માટે લાંચ લીધી હતી. પુણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રૂ.3 લાખની રોકડ રિકવર કરી હતી. સગીર આરોપીને બચાવવા બંનેએ સગીર આરોપીના લોહીના સેમ્પલ ગાયબ કરાવ્યા હતા. આ બ્લડ સેમ્પલ પરથી એ જાણવાનું હતું કે સગીર આરોપીએ તે દિવસે દારૂ પીધો હતો કે નહીં. આ મામલે પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને મામલાની માહિતી આપી હતી.
પુણે પોર્શ કાર અકસ્માતમાં જે બે ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે, તેમાંના એક ડોક્ટરનું નામ છે હેલેનોર. આરોપી ડૉક્ટરની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે ફોરેન્સિક વિભાગના વડા ડૉ. અજય તાવરેની સૂચનાથી લોહીના નમૂના બદલ્યા હતા. આરોપી ડોક્ટરે આ કામ કરવા માટે 3 લાખ રૂપિયા લીધા હતા. પુણે પોલીસે સગીર આરોપીના સેમ્પલ લોહીની તપાસ માટે સાસૂન હોસ્પિટલમાં મોકલ્યા હતા. આ બંને તબીબોએ મીલીભગતથી આરોપીના બ્લડ સેમ્પલની જગ્યાએ અન્ય લોહીના સેમ્પલ લીધા હતા.
પુણે શહેરના કલ્યાણી નગર વિસ્તારમાં 19 મેના રોજ વહેલી સવારે સગીર દ્વારા ચલાવવામાં આવતી ઝડપી પોર્શ દ્વારા તેમની મોટરસાઇકલને ટક્કર મારતાં બે યુવાન આઇટી પ્રોફેશનલ્સના મોત થયા હતા. પોલીસનો દાવો છે કે અકસ્માત સમયે સગીર નશામાં હતો.