“તમારે જોઈએ તેટલા પૈસા લો, હું આપીશ…”પૂણે પોર્શ કારના આરોપી સગીરે પૈસાનો રોફ દેખાડ્યો
પૂણેના પોર્શ કારના અકસ્માતના કેસમાં નિત નવા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. માલેતુજાર બાપના નબીરાએ મોંઘી દાટ કારથી બે જણને કચડી નાખ્યા હતા. આ કેસમાં આખા વહીવટીતંત્રની બેદરકારી ખુલ્લી પડી છે. પોલીસે સગીરના પિતા અને દાદાની પણ ધરપકડ કરી છે. તેની સાથે બાર મેનેજરની પણ સગીરને દારૂ પીરસવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હવે અકસ્માત સ્થળે હાજર રહેલા લોકો પણ સામે આવવા લાગ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં બે પ્રત્યક્ષદર્શીઓએ સમગ્ર ઘટનાક્રમનું વર્ણન કર્યું છે.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે તે અકસ્માત સ્થળથી માત્ર 10 ફૂટ દૂર રોડ ક્રોસ કરી રહ્યો હતો. અકસ્માત બાદ પોર્શે કારના સગીરે જોરજોરથઈ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું કે, ‘તમારે જેટલા પૈસા જોઈએ તેટલા લઈ લો, મને મારશો નહીં, હું તમને જોઈએ તેટલા પૈસા આપીશ.’ આ પ્રત્યક્ષદર્શીનું નામ અમીન શેખ હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અમીન શેખ રસ્તો ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે. પોર્શ કાર તેની પાસેથી પસાર થઈ હતી અને ત્યાર બાદ આ કારે બાઇકને ટક્કર મારી હતી, જેને કારણે બાઇક પર સવાર યુવાન એન્જિનિયર અને યુવતીનું મોત થયું હતું. આ પછી સ્થળ પર હાજર ટોળાએ સગીરને માર માર્યો હતો અને બાદમાં તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
Read this….‘પૂણે પોર્શ કેસના આરોપીઓને પોલીસ કસ્ટડીમાં પિઝા-બર્ગર આપવામાં આવ્યા’, સુળે અને રાઉતનો આક્ષેપ
અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે પોર્શ કાર ખૂબ સ્પીડમાં આવી હતી અને બાઇકને ટક્કર મારી હતી. કંઇક સમજ પડે તે પહેલા તો ધનિક નબીરાની કારે બાઇક સવારોને કચડી નાખ્યા હતા. મારી સામે જ છોકરી લગભગ 15 ફૂટ ઉછળી અને જમીન પર પટકાઈ હતી. યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આરોપીને સ્થળ પરથી ભાગી જવાનો મોકો મળ્યો ન હતો, કારણ કે એરબેગ્સ ખુલી ગઇ હતી. કારમાં સગીર ઉપરાંત બેથી ત્રણ વ્યક્તિઓ પણ હતી. ત્યાં હાજર ટોળાએ આરોપીને પકડી લીધો અને માર મારવાનું શરૂ કર્યું. મેં આરોપીને પકડી લીધો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચતા જ મેં તેને પોલીસને હવાલે કર્યો હતો.
આ કેસમાં અન્ય ઘણી ચોંકાવનારી બાબતો પણ સામે આવી છે. આ કેસનો મુખ્ય આરોપી સગીર મોટા બિલ્ડરનો પુત્ર છે. અકસ્માતના 14 કલાક બાદ સગીર આરોપીને ટ્રાફિક પોલીસ સાથે 15 દિવસ કામ કરવા અને માર્ગ અકસ્માતોના પરિણામો અને ઉકેલો પર 300 શબ્દોનો નિબંધ લખવા જેવી કેટલીક સામાન્ય શરતો સાથે કોર્ટે જામીન આપ્યા હતા. જોકે, બાદમાં સગીરના જામીન પર સવાલો ઉઠતા પોલીસ એક્શનમાં આવી હતી. આ દરમિયાન આરોપી બારમાં બેસીને દારૂ પીતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. આરોપી દારૂના નશામાં પૂરપાટ વેગે કાર હંકારી રહ્યો હતો. ત્યાર બાદ પોલીસે આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરતાં આરોપીના જામીન રદ કરી તેને બાળ સુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો.