બોલો, પુણે મેટ્રોએ પ્રવાસીઓ માટે કરી નાની પણ મહત્ત્વની સુવિધાની જાહેરાત
![Pune Metro has announced a small but important facility for tourists](/wp-content/uploads/2024/02/dhiraj-2024-02-15T203159.937.jpg)
પુણે: દેશમાં રેલવેની સાથે મેટ્રોની કનેક્ટિવિટીમાં વધારો થઈ રહ્યો છે, જેમાં પ્રશાસન દ્વારા મેટ્રોને લોકપ્રિય બનાવવા માટે મહત્ત્વની સુવિધા પૂરી પાડી રહ્યું છે. મહારાષ્ટ્રના ટવિન સિટી મુંબઈ અને પુણેમાં મેટ્રોનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે ત્યારે તાજેતરમાં પુણે મેટ્રોએ પ્રવાસીઓને હવે વ્હિકલ સાથે હેલ્મેટ પાર્કિંગની સુવિધા પૂરી પાડવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રના પુણે શહેરમાં મેટ્રોને કારણે નાગરિકોનો પ્રવાસ ખૂબ જ સરળ બન્યો છે. પુણેના મહામેટ્રોમાં બંને માર્ગમાં મળીને કુલ આઠ સ્ટેશન નજીક ‘પે એન્ડ પાર્ક’ની સુવિધા પણ આપવામાં આવી છે, પણ અનેક પ્રવાસીઓ મેટ્રો સ્ટેશન સુધી આવવા માટે ટુ-વ્હીલર લઈને આવે છે અને ત્યાંના પાર્કિંગમાં પાર્ક કરે છે. જોકે ટુ-વ્હીલર લઈને આવનારને હેલ્મેટ પણ પ્રવાસ દરમિયાન સાથે રાખવું પડે છે, જેથી મેટ્રો પ્રશાસન દ્વારા ‘પે એન્ડ પાર્ક’ સાથે હેલ્મેટ રાખવાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.
પુણે શહેરમાં મહામેટ્રોમાં વનાજથી રામવાડી અને પિંપરી-ચિંચવડથી ખારગેટ આ બે માર્ગ પર મેટ્રોની સેવા શરૂ કરવામાં આવી છે. આ બે માર્ગમાં પિંપરી-ચિંચવડ સ્ટેશન, સંત તુકારામ નગર, ફુગેવાડી, બોપોડી, પિંપરી-ચિંચવડ વિસ્તારની અંદર અને શિવાજીનગર, સિવિલ કોર્ટ, આરટીઓ અને આદર્શ કોલોની આમ કુલ આઠ સ્ટેશન પર હવે પાર્કિંગની સુવિધા પણ નિર્માણ કરવામાં આવી છે.
પાર્કિંગ બાબતે એક અધિકારીએ કહ્યું હતું કે આ વાહન પાર્કિંગનું સંચાલન કરવા માટે પ્રાઈવેટ કોન્ટ્રેક્ટરની નિમણૂક કરવામાં આવવાની છે. આ સેવા શરૂ થયા બાદ પિંપરી-ચિંચવડ, સંત તુકારામ નગર, શિવાજીનગર અને સિવિલ કોર્ટ માત્ર આ સ્ટેશનો પર જ ટુ-વ્હીલર સાથે ફોર વ્હીલર પાર્કિંગની સુવિધા હશે અને બાકીના સ્ટેશનો પર માત્ર ટુ-વ્હીલર માટે પાર્કિંગ સ્પેસ નિર્માણ કરવામાં આવી છે. દરેક સ્ટેશન બહાર પાર્કિંગની જગ્યા પર 60 કરતાં વધુ ટુ-વ્હીલર અને 30 કરતાં વધુ ફોર વ્હીલર રાખવાની સુવિધા પણ નિર્માણ કરવામાં આવી છે.
આ પાર્કિંગ સ્ટેશન પર સાઇકલ માટે બે કલાકના બે રૂપિયા, બાઇક માટે 15 રૂપિયા અને ફોર વ્હીલર માટે 35 રૂપિયા કે બેથી છ કલાક માટે અનુક્રમે પાંચ, 30 50 રૂપિયા અને છ કલાક કરતાં વધુ સમય પાર્કિંગ માટે અનુક્રમે 10, 60 અને 80 રૂપિયા લેવામાં આવે છે.
વાહનોની પાર્કિંગ માટે પ્રવાસીઓની મહિનાના પાસની પણ સુવિધા આપવામાં આવી છે અને જો પ્રવાસી પાસે મેટ્રોની ચાલુ દિવસની ટિકિટ હશે તો તેમને વાહન પાર્કિંગની રકમમાં 25 ટકાની છૂટ પણ આપવામાં આવશે તેમ જ ટુ-વ્હીલરના માલિકોને હેલ્મેટ રાખવાની સુવિધા પણ આપવામાં આવશે. આ સુવિધામાં 24 કલાક સુધી હેલ્મેટ રાખવા માટે પાંચ રૂપિયા લેવામાં આવશે એવી માહિતી એક અધિકારીએ આપી હતી.