પુણેના વેપારી સાથે રૂ. 53 લાખની છેતરપિંડી: બે સામે ગુનો

થાણે: કંપની માટે લોનની વ્યવસ્થા કરી આપવાને બહાને પુણેના વેપારી અને તેના મેનેજર સાથે રૂ. 53 લાખની છેતરપિંડી આચરવા બદલ બે જણ સામે ગુનો દાખલ કરાયો હતો.
થાણે શહેરની પોલીસે શેખર સોનાર અને નિશિગંધા અંબાવણે વિરુદ્ધ ગુરુવારે ગુનો દાખલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીઓએ ફરિયાદી વેપારી સાથે ફેબ્રુઆરી, 2022થી જૂન, 2024 દરમિયાન છેતરપિંડી કરી હતી. વેપારીની કંપની માટે રૂ. 100 કરોડની લોનની વ્યવસ્થા કરી આપવાનું બંનેએ જણાવ્યું હતું અને રાયગડના માનગાંવની 100 એકરની જમીનના દસ્તાવેજો લીધા હતા.
તેમણે રાષ્ટ્રીયકૃત બેન્ક દ્વારા જારી કરવામાં આવ્યો હોવાનું જણાવતો લોનની મંજૂરનો પત્ર રજૂ કર્યો હતો અને તેમની પાસેથી વિવિધ ફી તથા ખર્ચ પેટે રૂ. 53 લાખ લીધા હતા, પણ લોન મેળવી આપવા માટે કાંઇ કર્યું નહોતું. આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાતાં ગુનો દાખલ કરાયો હતો. આ કેસની તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરાઇ નથી. (પીટીઆઇ)