પુણે બ્લાસ્ટ કેસ: હાઇ કોર્ટે લાંબો જેલવાસ, વિલંબિત ખટલાનું કારણ આપીને આરોપીના જામીન મંજૂર કર્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પુણે બ્લાસ્ટ કેસ: હાઇ કોર્ટે લાંબો જેલવાસ, વિલંબિત ખટલાનું કારણ આપીને આરોપીના જામીન મંજૂર કર્યા

મુંબઈ: મુંબઈ હાઇ કોર્ટે 2012ના પુણે બ્લાસ્ટ કેસમાં લાંબો જેલવાસ તેમ જ વિલંબિત ખટલાનું કારણ આપીને આરોપીના જામીન મંજૂર કર્યા હતા. જસ્ટિસ એ.એસ. ગડકરી અને રાજેશ પાટીલની ખંડપીઠે મંગળવારે જારી કરેલા આદેશમાં કહ્યું હતું કે અરજદાર ફારુક બાગવાન 12 વર્ષથી વધુ સમયથી જેલમાં છે અને નજીકના ભવિષ્યમાં ટ્રાયલ પૂર્ણ થવાની શક્યતા ઓછી છે.

હાલમાં ટ્રાયલ કોર્ટ દ્વારા 170 સાક્ષીદારમાંથી માત્ર 27 સાક્ષીદારને તપાસવામાં આવ્યા છે, એવી હાઇ કોર્ટે નોંધ કરી હતી. વધુમાં હાલના ગુના સિવાય બાગવાનનો અન્ય કોઇ ગુનાહિત ભૂતકાળ નથી, એમ કોર્ટે જણાવ્યું હતું.

આપણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ પુણેમાં લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતનું ઉષ્માભર્યું સ્વાગત

‘એ સ્પષ્ટ છે કે નજીકના ભવિષ્યમાં ટ્રાયલ પૂર્ણ થવાની શક્યતા ઓછી લાગે છે. હવે કાયદાનો સુસ્થાપિત સિદ્ધાંત છે કે ઝડપી ટ્રાયલનો આરોપીનો અધિકાર ભારતના બંધારણની કલમ 21 હેઠળ મૂળભૂત અધિકાર છે.’ ખંડપીઠે એક લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર બાગવાનના જામીન મંજૂર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે પુણેના વ્યસ્ત જંગલી મહારાજ રોડ પર 1 ઑગસ્ટ, 2012ના રોજ ઓછી તીવ્રતાના પાંચ બ્લાસ્ટ થયા હતા, જેમાં એક વ્યક્તિ ઘાયલ થઇ હતી.

આપણ વાંચો: સંજય દત્ત મુંબઈ બોમ્બ બ્લાસ્ટ રોકી શક્યો હોત! રાજ્યસભામાં નોમિનેટેડ વકીલ ઉજ્જવલ નિકમે કર્યા મોટા ખુલસા

બાગવાનની સંડોવણી બદલ ડિસેમ્બર, 2012માં મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્કવોડે (એટીએસ) તેની ધરપકડ કરી હતી.
તપાસકર્તા પક્ષનો કેસ એ છે કે જૂન, 2012માં પુણેની યેરવડા જેલમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના સભ્ય કતીલ સિદ્ધીકીની થયેલી હત્યાનો બદલો લેવા માટે આ બ્લાસ્ટ કરાયા હતા.

બ્લાસ્ટમાં ભૂમિકા બદલ એટીએસે કુલ નવ જણની ધરપકડ કરી હતી. બાગવાને મોબાઇલ માટે સિમકાર્ડ મેળવવા માટે પોતાના કમ્પ્યુટરમાં બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા, જેનો ઉપયોગ સહ-આરોપીઓએ કર્યો હતો અને તેની દુકાનમાં કાવતરું ઘડવામાં આવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button