આમચી મુંબઈ

વીડિયોનું ભૂત ધૂણ્યું: સીએમ ફડણવીસ અને તેમના પત્ની પર ટિપ્પણી કરનાર ઉમેદવારનું પત્તું કપાયું!

પૂણે: મહારાષ્ટ્ર ભાજપમાં ડખાના એંધાણ દેખાઈ રહ્યા છે, પૂણેમાં ભાજપે એક મહિલા ઉમેદવારને ટિકિટ આપ્યા બાદ તેનું પત્તું કાપ નાખતા ભારે ચર્ચા જાગી છે. એવા પણ અહેવાલો છે કે એમના જુના વિડિયો વાયરલ થઈ ગયા હતા, જેમા તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પત્ની પર વ્યક્તિગત ટિપ્પણી કરી રહ્યા હતા. જેને લઈને પાર્ટીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. જો કે તેમણે ઉમેદવારી પરત કેમ ખેંચી તે અંગે ભાજપે કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

મરાઠા આંદોલન સમયના વિડિયો

અહેવાલો અનુસાર, ભાજપ દ્વારા વોર્ડ નંબર ૨ માટે ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા પૂજા મોરે જાધવે ભારે વિરોધ બાદ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ટિકિટ મળ્યાના ગણતરીના સમયમાં જ તેમના કેટલાક જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ વીડિયો મરાઠા આંદોલન સમયના હોવાનું કહેવાય છે, જેમાં તેઓ કથિત રીતે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પત્ની પર વ્યક્તિગત ટિપ્પણીઓ કરતા જોવા મળ્યા હતા, જેને કારણે ભાજપના કાર્યકરોમાં જબરદસ્ત રોષ ફેલાયો હતો.

પક્ષમાંથી ઉઠ્યો વિરોધનો સૂર

કેન્દ્રીય પ્રધાન મુરલીધર મોહોલે જાધવની ઉમેદવારી પાછી ખેંચવાની સત્તાવાર પુષ્ટિ કરી હતી, પરંતુ વાયરલ વીડિયોને કારણે તેઓ પોતાની જ પાર્ટીના કાર્યકરો ટાર્ગેટ બની ગયા હતા. કાર્યકરોનો સૂર એવો હતો કે જે વ્યક્તિએ ભૂતકાળમાં પક્ષના મુખ્ય નેતા અને તેમના પરિવાર વિરુદ્ધ અભદ્ર કે વ્યક્તિગત ટીકાઓ કરી હોય, તેમને પક્ષ ટિકિટ કેવી રીતે આપી શકે? પક્ષની અંદરથી ઉઠેલા આ વિરોધના વંટોળને શાંત કરવા અંતે પૂજા મોરે જાધવે ચૂંટણી મેદાનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

હું ટ્રોલિંગનો શિકાર બની

બીજી તરફ, પૂજા જાધવે આ સમગ્ર ઘટનાક્રમ અંગે પોતાની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેઓ સોશિયલ મીડિયા ટ્રોલિંગનો શિકાર બન્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, “મારા વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે અને હું ભાજપની વિચારધારા વિરુદ્ધ છું તેવું ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે.” તેમણે વધુમાં બચાવ કરતા કહ્યું હતું કે વાયરલ વીડિયોમાં ટિપ્પણી કરનાર યુવતી કોઈ અન્ય હતી, પરંતુ તેના માટે મને જવાબદાર ઠેરવવામાં આવી છે.

આ પણ વાંચો…BMC ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકાશે! ઠાકરે ભાઈઓ ગજાવશે સંયુક્ત રેલીઓ; મેનિફેસ્ટોની રાહ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button