વિદેશમાં ભારતની બદનામીઃ રાહુલ ગાંધીના નિવેદનની વિરુદ્ધ ભાજપનું પ્રદર્શન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કૉંગ્રેસના નેતા તેમ જ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હાલમાં જ અમેરિકામાં ભાષણ આપવામાં આવ્યું હતું, જેની ખૂબ ટીકા ખાસ કરીને સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે અને રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઇને ભારતની બદનામી કરતા હોવાનો આરોપ ભાજપ અને સાથી પક્ષો દ્વારા મૂકવામાં આવ્યો હતો. જેને પગલે ભાજપ દ્વારા મુંબઈમાં વિવિધ ઠેકાણે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ભાજપનું વિરોધ પ્રદર્શન: એમવીએ શિવાજીની પ્રતિમા તૂટી પડવાને મુદ્દે રાજકારણ કરતું હોવાનો આક્ષેપ
જોકે રાહુલ ગાંધી દ્વારા અનામતના મુદ્દે આપવામાં આવેલા નિવેદનને પગલે મોટો હોબાળો થયો હતો અને તેનો વિરોધ નોંધાવવા માટે મુંબઈભરમાં મહાયુતિ અને ખાસ કરીને ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. દાદર, ઘાટકોપર, વરલી જેવા વિસ્તારોમાં રાહુલ ગાંધીના પુતળા બાળીને અને તેમના વિરુદ્ધ બેનરબાજી કરીને તેમનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા સાથી પક્ષે ભાજપનું વધાર્યું, ટેન્શન, કરી 100 સીટોની માંગણી
વિરોધ દરમિયાન રાહુલ ગાંધી અનામત વિરોધી હોવાનો તેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ અમેરિકામાં તે યોગ્ય સમય આવે ત્યારે ભારતમાં ન્યાયપૂર્ણ શાસન સ્થપાય એ વખતે અનામત હટાવી લેવા વિશે કૉંગ્રેસ વિચારશે તેવું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીના આ નિવેદનને પગલે મોટો હોબાળો મચ્યો હતો અને તેમના પર અનામત તેમ જ દલિત વિરોધી હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો.