આમચી મુંબઈવલસાડ

વલસાડી હાફૂસ કેરીને GI ટેગ મુદ્દે મહારાષ્ટ્રના ધારાસભ્યોએ બાંયો ચડાવતાં ડખો

વલસાડ/મુંબઈ: મહારાષ્ટ્રમાં ગુજરાતી અને ગુજરાતને લગતા અનેક મુદ્દે સતત વિવાદ સર્જાયા કરે છે. ત્યારે આ જ શ્રેણીમાં ફરી એક નવો વિવાદ સર્જાયો છે. ગુજરાતના વલસાડ હાફૂસ કેરી (Valsad Hapus) માટે કરવામાં આવેલી જિઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે GI ટેગની અરજીને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વિવાદ સર્જાયો છે. આ એક વહીવટી અને ટેક્નિકલ પ્રક્રિયા હોવા છતાં, મહારાષ્ટ્રના વિપક્ષી નેતાઓએ આ મુદ્દે રોષ વ્યક્ત કર્યો છે.

એનસીપી (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવારે આક્ષેપ કર્યો છે કે નવસારી કૃષિ યુનિવર્સિટી અને ગાંધીનગર યુનિવર્સિટીએ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ યોજના હેઠળ 2023માં વલસાડ હાફૂસ માટે GI ટેગની અરજી કરી છે. પવારે ચેતવણી આપી હતી કે આનાથી કોંકણ હાફૂસની ઓળખ જોખમાઈ શકે છે.

જોકે, ગુજરાત તરફથી કોંકણ હાફૂસ (અલ્ફાન્સો), જેને 2018માં GI ટેગ મળી ચૂક્યો છે, તેને પડકારવા માટે કોઈ સત્તાવાર પગલું ભરવામાં આવ્યું નથી. તેમ છતાં, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના અંબા દાસ દાનવેએ હાફૂસને મહારાષ્ટ્રનું ગૌરવ ગણાવીને ગુજરાત પર તેને હડપવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે તો આ પગલાને “મુંબઈ પર દાવો કરવા” અથવા ગુજરાતને રાષ્ટ્રીય ફોકસનું કેન્દ્ર બનાવવાના પ્રતીકાત્મક પૂર્વસૂચન તરીકે ગણાવ્યું હતું.

અત્રે એ વાત નોંધવી રહી કે આ પ્રક્રિયા મુદ્દે ગુજરાતમાં કોઈ ચર્ચા કે મુદ્દો નથી. વલસાડના ભાજપ સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલને અગાઉ લખેલા પત્રમાં માત્ર એટલો જ ઉલ્લેખ કર્યો હતો કે યુનિવર્સિટીઓએ અરજી ભૌગોલિક જોડાણને આધારે સબમિટ કરી હતી.

ગુજરાતના રાજકીય કે સામાજિક વર્તુળોમાં કેરીના નામ કે GI ટેગ અંગે કોઈ મોટી ચર્ચા થઈ નથી. આમ છતાં, રોહિત પવારની X પરની પોસ્ટ બાદ મહારાષ્ટ્રના વિપક્ષી નેતાઓની આકરી પ્રતિક્રિયાઓ આવવાની શરૂઆત થઈ હતી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વર્ષોથી મહારાષ્ટ્રમાં રાજકારણ આ ખૂબ સંવેદનશીલ મુદ્દો રહ્યો છે કે જેમાં મહારાષ્ટ્રના રાજકીય પક્ષો ગુજરાત સંબંધિત મુદ્દાઓને વધુ પડતો જ સંવેદનશીલતા દર્શાવે છે, ભલે તે મુદ્દાઓ માત્ર વહીવટી પ્રક્રિયાનો ભાગ હોય.

મહારાષ્ટ્રના કેરી ઉત્પાદકોએ આ મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેમનો વાંધો ગુજરાત કે તેના ખેડૂતો સામે નથી, પરંતુ GI-પ્રમાણિત કોંકણ અલ્ફાન્સો સિવાયની અન્ય જાતો માટે ‘હાફૂસ’ શબ્દના વ્યાપારી ઉપયોગ સામે છે. મેંગો ગ્રોવર્સ કો-ઓપરેટિવ સોસાયટીઝ લિમિટેડના સ્થાપક-પ્રમુખ અજીત ગોગાટે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, “અમને વલસાડ દ્વારા પોતાનો GI ટેગ મેળવવા સામે કોઈ વાંધો નથી. અમારી એકમાત્ર ચિંતા એ છે કે ‘હાફૂસ’ શબ્દનો ઉપયોગ અન્ય જાત માટે ન થવો જોઈએ, કારણ કે તે બજારની ઓળખને અસર કરે છે.”

પરંતુ નિષ્ણાતોનું આ અંગે માનવું છે કે ‘હાફૂસ’ શબ્દનો ઉપયોગ પરંપરાગત રીતે કોંકણ તેમજ દક્ષિણ ગુજરાત એમ બંને પ્રદેશોમાં થાય છે અને સ્થાનિક રીતે બંને પ્રદેશો તેમની અલ્ફાન્સો-પ્રકારની કેરીઓને આ જ નામથી ઓળખે છે. જોકે, હાલનો GI ટેગ ફક્ત કોંકણમાં ઉગાડવામાં આવતી ચોક્કસ અલ્ફાન્સોને જ લાગુ પડે છે.

આ પણ વાંચો…કચ્છી ખારેકથી લઇ કેસર કેરી: સૌરાષ્ટ્ર – કચ્છના 10થી વધુ GI ટેગ ઉત્પાદનો VGRCમાં પ્રમોટ થશે

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button