સરકારી જમીન પર સ્વપુનર્વિકાસ માટે સવલત રેડી રેકનર દરના પાંચ ટકા પ્રિમિયમનો પ્રસ્તાવ
મુંબઈ: સરકારી કબજા હેઠળની જમીનના માલિકી હક રૂપાંતર કરતી વખતે કેવળ સ્વયં પુનર્વિકાસ માટે રેડી રેકનર દરના પાંચ ટકા પ્રીમિયમનો પ્રસ્તાવ મહેસૂલ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ગૃહ રચના સોસાયટીના હાલના ક્ષેત્રફળ કરતા વધુ ક્ષેત્રફળ માટે તેમ જ બજાર ભાવે વેચાનારા ક્ષેત્રફળ માટે રેડી રેકનરના દરના ૧૫ ટકા પ્રીમિયમની આકારણી ૮ માર્ચ, ૨૦૨૪ સુધીમાં થશે. રાજ્યમાં અંદાજે ૨૦ હજાર અને મુંબઈમાં ત્રણ હજાર સોસાયટી સરકારી કબજા હેઠળની જમીન પર છે અને એ ૪૦-૪૫ વર્ષ જૂની છે. પ્રીમિયમ વધારે હોવાથી પુનર્વિકાસનું કામ રાખડી પડતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આગામી ચૂંટણી ધ્યાનમાં રાખીને તેમ જ હાઇ કોર્ટે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ધોરણ નિશ્ર્ચિત કરવાનો આદેશ આપ્યો હોવાથી મહેસૂલ વિભાગે પ્રીમિયમમાં સવલત આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. અંતિમ નિર્ણય લેવા માટે સરકારે હાઇ કોર્ટને ત્રણ મહિનાની મુદત આપવાની વિનંતી કરી છે. મહેસૂલ વિભાગનો પ્રસ્તાવ નાણાં મંત્રાલયને પહોંચતો કરવામાં આવ્યો છે. પ્રધાન મંડળની મંજૂરી, જનતા પાસેથી સૂચના અને વાંધા વચકા મંગાવવા અને અંતિમ મંજૂરી માટે ત્રણ મહિનાનો સમય લાગશે.