સપ્ટેમ્બરમાં પ્રોપર્ટી માર્કેટને લાગ્યું ગ્રહણ, વેચાણમાં શા માટે થયો ઘટાડો, જાણો?

મુંબઈ: છેલ્લા દોઢ વર્ષથી મુંબઈમાં જોરદાર પ્રોપર્ટી (Real Estate)નું વેચાણ થઇ રહ્યું હતું, પરંતુ સપ્ટેમ્બરમાં અચાનક બ્રેક લાગી હોઇ ૯,૧૬૭ પ્રોપર્ટીનું વેચાણ થયું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ૧૦,૬૯૪ પ્રોપર્ટીનું વેચાણ થયું હતું. તેની સરખામણીમાં આ વર્ષે સમાનગાળા દરમિયાન ૧૯ ટકાનો ઘટાડો થયો છે.
આ વર્ષના ઓગસ્ટ મહિનામાં મુંબઈમાં ૧૧,૬૩૧ પ્રોપર્ટીનું વેચાણ થયું હતું, જ્યારે સપ્ટેમ્બરમાં તેમાં ૨૧ ટકાનો ઘટાડો થયો હતો. પ્રોપર્ટી વેચાણ ઘટવાને કારણે સરકારની તિજોરી પર પણ ફટકો પડ્યો છે. સપ્ટેમ્બરમાં સરકારને ૮૯૨ કરોડ રૂપિયાની મહેસુલ મળી હતી.
સપ્ટેમ્બરમાં પ્રોપર્ટી વેચાણ ઘટવાનું મુખ્ય કારણ પિતૃપક્ષ છે. ઘણા લોકો શ્રાદ્ધના સમયે કોઇ નવી વસ્તુ ખરીદી કરતા નથી. તેથી આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળી સમયે પ્રોપર્ટી વેચાણ ફરી વધવાની આશા સેવાઇ રહી છે.
નવ મહિનામાં ૧.૦૫ લાખ પ્રોપર્ટીનું વેચાણ
*જાન્યુઆરીથી સપ્ટેમ્બરના નવ મહિના દરમિયાન ૧,૦૫,૬૬૪ પ્રોપર્ટીનું વેચાણ થયું હતું.
- રાજ્ય સરકારને ૮૮૯૨ કરોડની મહેસુલ પ્રાપ્ત થઇ હતી.
- ગયા વર્ષના સમાનગાળાના નવ મહિનાની સરખામણીમાં આ વધારો ૧૨ ટકા છે અને મેહસુલમાં થયેલો વધારો છ ટકા છે.
- ગયા વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી મુંબઈમાં એક લાખ પ્રોપર્ટીનું વેચાણ થયું હતું