ન્યાયમૂર્તિને લક્ષ્ય બનાવતો અહેવાલ ઉપજાવી કાઢ્યો
ત્રણ વકીલ સામે હાઈ કોર્ટનો તિરસ્કારનો કેસ
મુંબઈ: હાઈ કોર્ટના જજ પર લાંછન લગાડતો એક અહેવાલ ઉપજાવી કાઢવા બદલ બોમ્બે હાઈ કોર્ટે જાતે જ (સુઓ મોટો) ત્રણ વકીલ વિરુદ્ધ તિરસ્કારની પ્રક્રિયા હાથ ધરી છે. આવું કરવાથી અદાલતના ગૌરવને હાનિ પહોંચે છે એવું અદાલતે નોંધ્યું છે. ન્યાયમૂર્તિ અનુજા પ્રભુદેસાઈ અને ન્યાયમૂર્તિ એન આર બોરકરની ખંડપીઠે ૨૯ જાન્યુઆરીએ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે ‘હેતુપૂર્વકનું આવું તિરસ્કાર યુક્ત પગલું ન્યાય વ્યવસ્થાને હાનિ પહોંચાડે છે અથવા ન્યાય વ્યવસ્થાની માનહાની કરે છે અથવા અદાલતનું ગૌરવ ઉતારી પાડે છે.’
ખંડપીઠે જણાવ્યું હતું કે ભીષ્મ પાહુજા નામના વકીલે ઝોહેબ મર્ચન્ટ અને મીનળ ચંદનાની નામના વકીલ મારફત આ અરજી દાખલ કરી હતી. મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ધરપકડ કરવામાં આવેલા અમર મુલચંદાનીની અરજી સંદર્ભે આ અરજી કરવામાં આવી હતી. પોતાની સામેનો કેસ રદ કરવા મુલચંદાનીએ અરજીમાં જણાવ્યું હતું. (પીટીઆઈ)