સિગ્નલ ફેઈલ્યોરને કારણે પશ્ચિમ રેલવેમાં ધાંધિયા, લાખો પ્રવાસીઓને હાલાકી
મુંબઈ: સિગ્નલ ફેઈલ્યોર થવાને કારણે મંગળવારે વેસ્ટર્ન રેલવેમાં ટ્રેનોની અવરજવર ઉપર અસર થઇ હતી. પશ્ચિમ રેલવેમાં વસઇ-વિરાર દરમિયાન સિગ્નલ ફેલ થવાના કારણે ડાઉન ફાસ્ટ અને અપ સ્લો લાઇન ઉપર ટ્રેનની વ્યવહારને અસર થઇ હતી.
મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ સિગ્નલમાં ખામી સર્જાઇ હતી, પરિણામે ફાસ્ટ અને સ્લો લાઈનની ટ્રેન પર અસર થઈ હતી. વિરારથી ચર્ચગેટની લોકલ ટ્રેન સહિત લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવા પર અસર થવાથી પ્રવાસીઓ માટે ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી. સાંજના સાત વાગ્યાના સુમારે સિગ્નલ મરમ્મત કર્યા પછી ટ્રેનસેવા ચાલુ કરવામાં આવી હતી, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: વેસ્ટર્ન રેલવેમાં મંગળ બન્યો અમંગળ ચાલુ દિવસે પ્રવાસીઓ થયા હેરાન
પશ્ચિમ રેલવેમાં વસઈ રેલવે સ્ટેશન નજીક સાંજના 4.32 વાગ્યાના સુમારે સિગ્નલ ફેઈલ્યોર થયું હતું, પરિણામે ડાઉન સ્લો અને ફાસ્ટ લાઈનની ટ્રેનસેવા પર પહેલા અસર થઈ હતી. વસઈ અને વિરારની ટ્રેનસેવા ઠપ થવાને કારણે પશ્ચિમ રેલવેના તમામ ગીચ સ્ટેશન પર અસર થઈ હતી. સિગ્નલ ફેઈલ્યોરના સમયગાળા દરમિયાન બોરીવલી, દહીસર, ભાયંદર, નાલાસોપારા, વસઈ-વિરાર સહિતના સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ રહી હતી, જ્યારે લોકલ ટ્રેનમાં પણ ભીડ રહેવાથી ટ્રેનમાં મુસાફરી કરવામાં હાલાકી પડી હતી, એમ વસઈના રહેવાસી મુકુંદ પટેલે જણાવ્યું હતું.
વેસ્ટર્ન રેલવેમાં પ્રવાસ કરવામાં હેરાનગતિનો સામનો કરવો પડે તેવી સ્થિતિ હોવાનું વેસ્ટર્ન રેલવે દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. ડાઉન લોકલ સિગ્નલનું રિપેરિંગ 6.42 અને અપ લાઈનમાં સિગ્નલની ખામી 7:38 વાગ્યે કરવામાં આવ્યું હતું તથા હવે ટ્રેનસેવા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી છે, એમ અધિકારીએ દાવો કર્યો હતો.
સિગ્નલમાં ખામી સર્જાવવાના કારણે યોગ્ય સમયે મેઇનટેનન્સ હાથ ધરવું કેટલું જરૂરી છે તેનું મહત્ત્વ પણ સમજાયું હતું. મોટાભાગે રવિવારે લેવામાં આવતા મેગા બ્લોક અને જમ્બો બ્લોક દરમિયાન ટ્રેક ઉપરાંત સિગ્નલિંગ સિસ્ટમના મેઇનટેનન્સનું કામ હાથ ધરવામાં આવતું હોય છે, પરંતુ આ પ્રકારના કામમાં ચોક્કસ બેદરકારી દાખવવામાં આવે છે, તેથી પ્રવાસીઓને તેના ભોગ બનવું પડે છે, એમ બોરીવલીના રહેવાસી અનિલ પરબે જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટથી દહાણુ/વસઈ વિરાર રોડ વચ્ચે રોજના 1,400થી વધુ લોકલ ટ્રેન દોડાવાય છે, જ્યારે રોજના 30 લાખથી વધુ પ્રવાસી ટ્રાવેલ કરે છે.