Central Railwayમાં ‘ધાંધિયા’ અપરંપાર, જાણો આખો મામલો?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈ રેલવેમાં ટ્રેન અકસ્માતનો ભોગ પ્રવાસીઓની સાથે રેલવેના કર્મચારીઓ બની રહ્યા છે એ ચિંતાની બાબત છે. શુક્રવારે મધ્ય રેલવે (Central Railway)માં મોટરમેન અકસ્માતનો ભોગ બનતા સંગઠને રેલવે પ્રશાસનની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ગઈકાલે મોટરમેનનું ટ્રેન અકસ્માત (Runover)માં મોત થયા પછી આજે તેની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં મોટરમેનોએ ભાગ લેતા સેંકડો ટ્રેન રદ કરતા તેના ભોગ પ્રવાસીઓ બન્યા હતા.
શુક્રવારે બપોરે ભાયખલા અને સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનની વચ્ચે કથિત રીતે મોટરમેન પૂરપાટ ટ્રેનની ટક્કર વાગી હતી, જેમાં મોટરમેનનું મોત થયું હતું. મૃતકની ઓળખ મુરલીધર શર્મા (54) તરીકે કરી હતી. શર્મા 2002માં ગૂડ્સ ટ્રેનના ડ્રાઈવર તરીકે મધ્ય રેલવેમાં જોઈન થયા હતા, ત્યારબાદ નવેમ્બર 2022માં મોટરમેન તરીકે પ્રમોશન મળ્યું હતું. મૂળ ઉત્તર પ્રદેશના પણ કલ્યાણના રહેવાસી એવા શર્મા પર કામનું ભારણ હોવાને કારણે અકસ્માતનો ભોગ બન્યા હોવાનો સંગઠને આરોપ મૂક્યો હતો.
મધ્ય રેલવેની મેઈન સહિત હાર્બર લાઈનના મોડી સાંજ સુધીમાં સેંકડો ટ્રેન રદ કરવામાં આવી હતી, જેથી રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની હકડેઠઠ ભીડ વધી હતી. મર્યાદિત ટ્રેનોને કારણે આજનો દિવસ પ્રવાસીઓ બેહાલ રહ્યો હતો. આ મુદ્દે કલ્યાણના પ્રવાસી સુશીલ પાંડેએ કહ્યું હતું કે દિવસે દિવસે રેલવેનો કારભાર બગડતો જાય છે અને એનું પરિણામ પ્રવાસીઓને ભોગવવું પડે છે.
મધ્ય રેલવેમાં આજે રવિવારનો દિવસ નહીં હોવા છતાં લોકલ ટ્રેનોની મર્યાદિત સર્વિસ દોડાવવાને કારણે આખો દિવસ ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં ભારે હાલાકી પડી હતી. લોકલ ટ્રેનોની મર્યાદિત સર્વિસ હોવાને કારણે વહેલી સવારથી ટ્રેનો અડધોથી પોણો કલાક મોડી દોડતી હતી, જ્યારે શોર્ટ ડિસ્ટન્સની ટ્રેનો રદ કરવાને કારણે આજનો દિવસ પ્રવાસીઓ માટે હાલાકી ભર્યો રહ્યો હતો, એમ પ્રવાસીઓએ જણાવ્યું હતું.
મુંબઈ સબર્બન રેલવેમાં એસી લોકલની સર્વિસ વધારવામાં આવ્યા પછી ત્રણેય કોરિડોરમાં ટ્રેનોનું સમયપત્રક ખોરવાયું છે, પરંતુ આ મુદ્દે પ્રશાસન ફક્ત એનાઉન્સમેન્ટ કરવા સિવાય ઉકેલ લાવવામાં સંદતર નિષ્ફળ રહ્યું છે. લોકલ ટ્રેનોની વધતી અનિયમિતતા મુદ્દે હવે પ્રવાસી સંગઠને નારાજગી વ્યક્ત કરી હતી.
પશ્ચિમ રેલવેમાં પણ લોકલ ટ્રેનોનું સમયપત્રક ખોરવાયું છે. રોજ ટ્રેન વીસ મિનિટથી અડધો કલાક મોડી પડે, જ્યારે અમુક વખત છેલ્લી ઘડીએ ટ્રેનનું પ્લેટફોર્મ ચેન્જ કરવાને કારણે સિનિયર સિટિઝન સહિત પ્રવાસીઓને હાલાકી પડી રહી છે, પરંતુ રેલવે પ્રશાસન ટ્રેનોને નિયમિત દોડાવવામાં આંખ આડા કાન કરી રહ્યું છે.