મુખ્ય મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે ભાષા વિવાદ ઉભો કરાયો: પૃથ્વીરાજ ચવ્હાણ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા ‘લાદવા’ પર જાણી જોઈને વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે જેથી લોકોનું ધ્યાન મુખ્ય મુદ્દા પરથી હટાવી શકાય. તેમણે શિક્ષણની ગુણવત્તા સુધારવાની જરૂરિયાત પર ભાર મૂકવાની માગણી કરી હતી.
શિક્ષણ માટે બજેટની ફાળવણીમાં ભારે કાપ મૂકવામાં આવી હોવાનો દાવો કરતા, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા અને શૈક્ષણિક ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
શિક્ષણ પર બજેટ ફાળવણી વધારવી જોઈએ. અંગ્રેજી અને હિન્દી લાદવાના વિવાદો અપ્રસ્તુત છે અને મુખ્ય મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી રહ્યા છે,’ એમ ચવ્હાણે શુક્રવારે કોલ્હાપુરમાં જણાવ્યું હતું.ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને એવો પણ દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્રમાં આઈઆઈટીમાં શિક્ષકોની 41 ટકા જગ્યાઓ ખાલી છે. તેવી જ રીતે, કૃષિ યુનિવર્સિટીઓમાં 70 ટકા જગ્યાઓ ભરાતી નથી.
જોકે, વિરોધ પક્ષોએ આ પગલાને ત્રીજી ભાષા તરીકે હિન્દીને ડિફોલ્ટ લાદવાનું પગલું ગણાવ્યું છે.આ વિવાદે મરાઠી ભાષાના હિત માટે અલગ થયેલા પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ અને રાજ ઠાકરેને એક કર્યા છે. શિવસેના (યુબીટી) અને મનસે પાંચમી જુલાઈએ મુંબઈમાં સંયુક્ત મોરચો કાઢશે. શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી) એ વિરોધ માર્ચને ટેકો આપ્યો છે.
પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે હિન્દી પર ચાલી રહેલા ઉગ્ર વિવાદ વિશે પૂછવામાં આવતા, એનસીપી (એસપી)ના નેતા સુળેએ પૂછ્યું હતું કે, ‘શું ગુજરાત, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ કે તેલંગણામાં હિન્દી ફરજિયાત છે? જ્યારે હિન્દી દરેક જગ્યાએ ફરજિયાત નથી, તો મહારાષ્ટ્રમાં તેને શા માટે ફરજિયાત બનાવવામાં આવી રહી છે?’
આપણ વાંચો : સાંસદોના પ્રતિનિધિમંડળ પર કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કેન્દ્રની ઝાટકણી કાઢી, કહ્યું ‘આ અપમાનજનક…’