મહારાષ્ટ્રની પાલિકા ચૂંટણીઓમાં કોંગ્રેસ એકલા ઉતરવાનો નિર્ણય કરે તો નવાઈ નહીં: પૃથ્વીરાજ ચવાણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા પૃથ્વીરાજ ચવાણે બુધવારે કહ્યું હતું કે ‘રાજ્યમાં આ વર્ષના અંતમાં યોજાનારી મુંબઈ મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકા/પાલિકાની ચૂંટણીઓમાં કૉંગ્રેસ એકલા ઉતરવાનો નિર્ણય કરે તો તેમને નવાઈ નહીં લાગે.
એક મુલાકાતમાં ચવાણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે દેવેન્દ્ર ફડણવીસની સરકાર પર પણ નિશાન સાધ્યું હતું, જેમાં રાજ ઠાકરેની આગેવાની હેઠળના મનસેના કાર્યકરો દ્વારા મરાઠીમાં ન બોલવા બદલ લોકો પર હુમલો કરવાની કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
એક પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘કોંગ્રેસ પાર્ટીનો અભિપ્રાય એ છે કે અમારું જોડાણ અમારા ઈન્ડિ ગઠબંધનના ભાગીદારો – શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી) સાથે છે. જો તેઓ કોઈ અન્ય પક્ષ, સમાન વિચારધારા ધરાવતા પક્ષ સાથે પેટા જોડાણ કરવા માગતો હોય, તો તે તેમનો પ્રશ્ર્ન છે, પરંતુ જો તેઓ એવા લોકો સાથે જોડાણ કરવા માગતા હોય જે મૂળભૂત રીતે કોંગ્રેસની વિચારધારા, ધર્મનિરપેક્ષતાની વિચારધારા, આંબેડકરે બંધારણમાં જે લખ્યું છે તેની વિચારધારાનો વિરોધ કરતા હોય, તો અમે તે સ્વીકારીશું નહીં,’ એમ તેમણે ઉમેર્યું હતું.
ચવાણે જણાવ્યું હતું કે મુંબઈ અને અન્ય સ્થળોએ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ અંગે તાજેતરમાં દિલ્હીમાં કોંગ્રેસની બેઠક મળી હતી, ત્યારે તેમણે એક સમિતિ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા, જે નિર્ણય લેશે કે તેઓ ઇન્ડિ બ્લોકના સભ્યો સાથે જોડાણ કરશે કે અલગથી ચૂંટણી લડશે.
‘ભૂતકાળમાં પણ, લોકસભા અને વિધાનસભા (ચૂંટણીઓ) માટે અમારું ગઠબંધન હતું, છતાં અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકલા લડ્યા હતા અને જો કોંગ્રેસ પાર્ટી (સમિતિ) મુંબઈ, પુણે, નાગપુરની ચૂંટણીઓ એકલા લડવાનું નક્કી કરે તો મને આશ્ચર્ય થશે નહીં,’ એમ તેમણે કહ્યું હતું.
મંગળવારે, રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) અને અન્ય જૂથોના કાર્યકરોએ મુંબઈ નજીક થાણેના મીરા-ભાયંદર વિસ્તારમાં વિરોધ કૂચનું નેતૃત્ત્વ કર્યું હતું, જેથી મરાઠીમાં બોલવાનો ઇનકાર કરવા બદલ દુકાનદાર પર થયેલા હુમલા બાદ ફેલાયેલી રાજકીય ગરમાગરમી વચ્ચે મરાઠી ‘અસ્મિતા’ (ગૌરવ)નો બચાવ કરી શકાય.
વિરોધ પ્રદર્શન વિશે પૂછવામાં આવતાં, ચવાણે એવો દાવો કર્યો હતો કે, ‘એક વાત ખૂબ જ સ્પષ્ટ છે, તે કેન્દ્ર સરકારની નીતિ છે, જેનો આરએસએસ દ્વારા આગ્રહ રાખવામાં આવ્યો છે, તેઓ એક રાષ્ટ્ર-એક ભાષા, એક રાષ્ટ્ર-એક ધર્મ, એક રાષ્ટ્ર-એક ચૂંટણી ઇચ્છે છે. આ માનસિકતા 1930ના દાયકાના જર્મની, હિટલરના જર્મનીમાંથી આવે છે અને તેઓ હજુ પણ ‘આ વિચારધારા લાદવાનો’ પ્રયાસ કરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
હવે, મહારાષ્ટ્રના લોકો કેન્દ્ર સરકારની નીતિ સામે કેમ ઉભા થયા, તેનું કારણ પહેલા ધોરણ (શાળાઓમાં)થી હિન્દી ભાષા લાદવાનું છે, એમ તેમણે કહ્યું હતું.
‘અમે હિન્દી ભાષાની વિરુદ્ધ નથી, અમે પહેલા ધોરણથી લાદવાની વિરુદ્ધ છીએ. તમે પાંચમા ધોરણ કે છઠ્ઠા ધોરણ પછી પણ શરૂઆત કરી હતી. શરૂઆતમાં તમે છ વર્ષના બાળક પર ત્રણ અલગ અલગ ભાષાઓનો બોજ ન નાખી શકો. પૂરતા શિક્ષકો નથી, પૂરતા પાઠ્યપુસ્તકો નથી અને તે ફક્ત અંગ્રેજી અથવા માતૃભાષા પરનો કબજો ઓછો કરશે,’ એમ તેમણે કહ્યું હતું.
તેથી, મહારાષ્ટ્રની સમગ્ર વસ્તીએ એક સ્વરમાં હિન્દી લાદવાની આ નીતિ સામે વિરોધ કર્યો હતો, એમ કોંગ્રેસના નેતાએ કહ્યું હતું.
અંતે, મુખ્ય પ્રધાન અને રાજ્ય સરકારને સમજાયું કે કેન્દ્ર સરકાર ગમે તે ઇચ્છે, મહારાષ્ટ્રમાં પહેલા ધોરણથી હિન્દી લાગુ કરવાનો નિર્ણય લાગુ કરવો મુશ્કેલ બનશે, તેથી તેઓએ પાછળ હટી ગયા અને નીતિ રદ કરવામાં આવી, એમ તેમણે કહ્યું હતું.
‘ત્યાં આ મામલો પૂરો થઈ ગયો છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.
હવે, કેટલાક લોકો ઉજવણી કરવા અને રાજકીય લાભ મેળવવા માગે છે, તેમનું સ્વાગત છે, એમ તેમણે પ્રાથમિક વર્ગોમાં હિન્દી દાખલ કરવાના આદેશો (જીઆર) પાછા ખેંચ્યા પછી શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે દ્વારા તાજેતરમાં યોજાયેલી સંયુક્ત રેલીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું.
‘જો શિવસેના, બે ભાઈઓ બીએમસી (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ચૂંટણી લડવા માટે સાથે આવે છે, તો તેમનું સ્વાગત છે,’ એમ ચવાણે કહ્યું હતું.
મીરા-ભાઈંદર ઘટના અંગેના એક સવાલના જવાબમાં ચવાણે કહ્યું કે તેઓ સમજી શકતા નથી કે વિરોધ શા માટે ચાલુ છે.
‘મહારાષ્ટ્ર સરકારે જીઆર પાછો ખેંચી લીધો છે, મહારાષ્ટ્રના લોકો જે ઇચ્છતા હતા તે સ્વીકાર્યું છે, શિવસેના અને મનસે જે ઇચ્છતા હતા તે સ્વીકાર્યું છે,’ એમ તેમણે કહ્યું હતું.
તેઓ ઉજવણી કરવા માગે છે, તેમને ઉજવણી કરવા દો, ઉજવણી હવે પૂરી થઈ ગઈ છે, પરંતુ તમે કાયદો અને વ્યવસ્થા તમારા હાથમાં લઈ શકતા નથી, એમ તેમણે કહ્યું હતું.
‘તમે એવા લોકોને મારવાનું શરૂ કરી શકતા નથી પછી એ મુદ્દો કોઈપણ હોય કે તેઓ મરાઠી નથી કે પછી તેઓ મરાઠી બોલી શકતા નથી. ગમે તે હોય તો પણ ના, મારપીટ કરી શકાય જ નહીં,’ એમ ચવાણે કહ્યું હતું.
‘તો મુખ્ય પ્રધાનને મારી વિનંતી છે કે, મહારાષ્ટ્ર રાજ્યની છબી ખૂબ જ નબળી, અનિર્ણાયક સરકાર, બહુપક્ષી સરકાર તરીકે બહાર આવી રહી છે, કોઈ એકબીજાનું સાંભળતું નથી. હવે અમારી પાસે શિંદે (શિવસેના) જૂથના વિધાનસભ્યો અથવા પ્રધાનો છે, જે મુખ્ય પ્રધાનના આદેશોનો અનાદર કરી રહ્યા હતા. તો આ બધાથી એવો સંદેશ જાય છે કે મહારાષ્ટ્રમાં બધું બરાબર નથી, જે એક હકીકત છે, એવો દાવો તેમણે કર્યો હતો.
ચવ્હાણે વધુમાં એવો દાવો કર્યો હતો કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમના જોડાણને બચાવવામાં વ્યસ્ત હતા અને પ્રધાનો જેમ ફાવેે તેમ વર્તી રહ્યા હતા.
‘પરંતુ અમે કોઈને પણ કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લે તે સહન કરીશું નહીં. મુખ્ય પ્રધાને સજા કરવી જ જોઈએ, પછી ભલે તે મીરા ભાઈંદરની ઘટના હોય કે રાષ્ટ્રીય સ્તરે… ભાજપના એક સાંસદે બકવાસ કર્યો છે. ગૃહ પ્રધાન અમિત શાહે તે સાંસદ સામે કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ તેઓ તે સ્વીકારશે નહીં, કારણ કે તેઓ પોતાનો એજન્ડા રમી રહ્યા છે,’ એમ ચવાણે કહ્યું હતું.