આમચી મુંબઈ

જેલ અધિકારી પર હુમલાના કેસમાં કેદી નિર્દોષ જાહેર

થાણે: થાણે સેન્ટ્રલ જેલના અધિકારીની કથિત મારપીટના કેસમાં સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે કેદીને નિર્દોષ છોડ્યો હતો.
આસિસ્ટન્ટ સેશન્સ જજ જી. ટી. પવારે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં આપેલા ચુકાદામાં મુન્ના મોઈનુદ્દીન શેખ ઉર્ફે ગુડ્ડુને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો હતો.

એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર એન. એન. પાવસેએ કોર્ટમાં જણાવ્યું હતું કે ઘટના 29 ડિસેમ્બર, 2021ના રોજ બની હતી. કાઉન્ટ દરમિયાન જેલ કોન્સ્ટેબલ્સ તુષાર વાઘ અને રમેશ ઘુલેએ આરોપીને બીડી ફૂંકતા જોયો હતો. આ મુદ્દે આરોપીએ બન્ને કોન્સ્ટેબલ સાથે બોલાચાલી કરતાં તેને જેલ અધિકારી સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. આરોપીએ જેલ અધિકારી પર હુમલો કરી તેમનું માથું દીવાલ સાથે અફાળવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમને ખભેથી પકડી લીધો હતો.

જોકે બચાવ પક્ષના વકીલ રામરાવ જગતાપે આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને સંબંધિત ઘટનામાં આરોપી સંડોવાયેલો ન હોવાનું કહ્યું હતું.

જજે આદેશમાં જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષના કેસમાં ખામીઓ છે. તેમણે સીસીસીટી ફૂટેજ લીધાં નથી અને ઘટના સમયે હાજર અન્ય કેદીઓનાં નિવેદન પણ લીધાં નથી. ઉપરાંત, મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું તેમાં પણ નજીવો ઉઝરડો હોવાનું નોંધવામાં આવ્યું છે, જે ફરિયાદ પક્ષની વાતમાં શંકા ઊભી કરે છે. ફરિયાદ પક્ષ આરોપ સિદ્ધ કરવામાં નિષ્ફળ રહ્યો હોવાનું તારણ કાઢી કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂક્યો હતો. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button