…એટલે વડા પ્રધાન મોદીએ માફી માગી: રાહુલે નરેન્દ્ર મોદી મોટે શું કહ્યું?
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાના પ્રકરણે જોરદાર રાજકારણ ચાલી રહ્યું છે એવામાં હવે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. આ મુદ્દે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું અને તેમણે માગેલી માફી બાબતે સવાલ કર્યો હતો.
સાંગલી ખાતે ભૂતપૂર્વ પ્રધાન તેમ જ કૉંગ્રેસના નેતા પતંગરાવ કદમના સ્મારકના અનાવરણ પ્રસંગે રાહુલ ગાંધીએ શિવાજી મહારાજની પ્રતિમાના મુદ્દે વાત કરતા કહ્યું હતું કે વડા પ્રધાને મહારાષ્ટ્રમાં આવીને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી એ બદલ માફી માગી, પરંતુ તેમણે માફી શા માટે માગી એ વિશે હું વિચાર કરું છું. કારણ કે માફી તો એ જ માગે છે જે ખોટું કામ કરે છે. પતંગરાવ કદમે તેમના જીવનમાં ક્યારેય માફી નથી માગી, કારણ કે તેમણે ક્યારેય ખોટું કામ કર્યું જ નહોતું.
સ્મારકના અનાવરણ પ્રસંગે રાહુલ ગાંધી ઉપરાંત કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા. એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર પવાર)ના પ્રમુખ શરદ પવાર અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનો સુશીલકુમાર શિંદે તેમ જ પૃથ્વીરાજ ચવ્હાણ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા મુદ્દે આખરે અજિત પવારે માફી માગી
રાહુલ ગાંધીએ આ દરમિયાન મહારાષ્ટ્રના ડીએનએમાં કૉંગ્રેસની વિચારધારા હોવાનું પણ કહ્યું હતું. કૉંગ્રેસ વિચારધારાની લડાઇ લડતી હોવાનું કહેતા તેમણે જણાવ્યું હતું કે દેશમાં વિચારધારાનું યુદ્ધ શરૂ છે. પહેલા ફક્ત રાજકારણ ચાલતું, પરંતુ હવે ફક્ત રાજકારણ નથી શરૂ. ભાજપ દેશના ખૂણેખૂણામાં દ્વેષ ફેલાવે છે અને તેમાં કોઇ નવી વાત નથી. તે પહેલાથી આ જ કરતા આવ્યા છે. તે જાતિ વ્યવસ્થાને પોષે છે. આજે સ્વાયત્ત સંસ્થાઓમાં ભાજપે પોતાના લોકો ઘૂસાડી દીધા છે.
પ્રતિમા બનાવવામાં ભ્રષ્ટાચાર આચરાયો: રાહુલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા રાહુુલે જણાવ્યું હતું કે વડા પ્રધાને પ્રતિમા બનાવવાનું કામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના માણસને આપ્યું એ માટે તેમણે માફી માગી હોવી જોઇએ. પ્રતિમા બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો એટલે કદાચ તેમણે માફી માગી હશે, અથવા તો છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા બનવવામાં મોટી બેદરકારી દાખવી એ બદલ માફી માગી હોવી જોઇએ. હું તમને ગેરેન્ટી આપું છું કે સાંગલીમાં ઊભા કરાયેલી પતંગરાવ કદમની પ્રતિમા અનેક દાયકાઓ સુધી ઊભી રહેશે.
કૃષિ કાયદાઓના કારણએ 700 ખેડૂતોએ જીવ ગુમાવ્યો
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની ટીકા કરતા રાહુલે જણાવ્યું હતું કે ત્રણ કૃષિ કાયદાઓના કારણે 700 ખેડૂતોનો જીવ ગયો અને એ બદલ તેમણે સંસદમાં ક્યારેય માફી માગી નથી. અમુક વેપારીઓનો ફાયદો કરાવવા માટે જીએસટી, નોટબંધી કરીને કરોડો વેપારીઓને નુકસાન કરાવ્યું જેના કારણે અનેકોએ રોજગાર ગુમાવ્યો. એ માટે વડા પ્રધાન ક્યારેય માફી માગશે?