મહાવિતરણના વીજ ગ્રાહકોના માથે તોળાતો ભાવવધારો
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય વીજ વિતરણ કંપની લિમિટેડ (મહાવિતરણ)ના ૨.૮ કરોડથી વધુ વીજ વપરાશકારોના વીજ બિલમાં ચાલુ મહિનાથી વધારો થવાની ભારોભાર સંભાવના છે. સપ્ટેમ્બર મહિનાના બિલથી વીજ કંપનીએ પ્રતિ યુનિટ ૩૫ પૈસા ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ (એફએસી) પેટે ઉઘરાવવાનો નિર્ણય લીધો છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર માર્ચ – એપ્રિલના ઉનાળુ સમય દરમિયાન પાવર એક્સચેન્જ પાસેથી ટૂંકા ગાળા માટે મહાવિતરણ દ્વારા વધારાની (અને મોંઘા ભાવની) ૧૩૪૦ દસ લક્ષ વીજ ખરીદવામાં આવી હોવાથી એફએસી દ્વારા વધુ બે મહિના માટે આ વધારાનો ચાર્જ લેવામાં આવશે.
મહાવિતરણ મુંબઈમાં ભાંડુપ – મુલુન્ડ વિસ્તારમાં વીજ પુરવઠો કરે છે અને એ ઉપરાંત થાણા, નવી મુંબઈ, કલ્યાણ, વસઈ – વિરાર અને રાજ્યના બાકીના હિસ્સામાં વીજ વિતરણ કરે છે. રાજ્યમાં કાર્યરત વીજ કંપનીમાં મહાવિતરણના વીજદર સૌથી વધારે છે. રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોએ ૧૦૧- ૩૦૦ યુનિટ સુધીના વપરાશ માટે પ્રતિ યુનિટ ૨૫ પૈસા અને ૩૦૦ યુનિટથી વધુ વપરાશ માટે ૩૫ પૈસા પ્રતિ યુનિટના દરથી બિલમાં વસૂલ કરવામાં આવશે.