રાષ્ટ્રપતિએ ‘ડીપફેક’ વીડિયો પર ચિંતા વ્યક્ત કરી
નાગપુર: અભિનેત્રી રશ્મિકા મંદાના લિફ્ટમાં એન્ટ્રીનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ સર્વત્ર ચર્ચાનું વાવાઝોડું ઊભું થયું છે. આ વીડિયો મૂળભૂત રીતે ફેક છે અને તે અભિનેત્રી મંદાનાનો ‘ડીપફેક’ વીડિયો છે. ઓરિજિનલ વીડિયોમાં બ્રિટિશ ઈન્ડિયન યુવતી ‘ઝારા પટેલ’ દર્શાવવામાં આવી છે. ઝારા પટેલના અસલી ચહેરાને બદલે રશ્મિકા મંદાનાનો ચહેરો મોર્ફ કરવામાં આવ્યો છે અને ‘ડીપફેક’ વધુ ચિંતાનો વિષય બન્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વરિષ્ઠ કલાકારોએ પણ આ પ્રકારની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. જે બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીનો ૧૧૧મો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુખ્ય હાજરીમાં યોજાયો હતો. આ સમયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નવી પેઢીએ સમાજના ભલા માટે આ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવો જોઈએ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી ‘ડીપફેક’ માત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે જ નહીં, પરંતુ લોકશાહી અને સમાજ માટે પણ ખતરો છે. નવી પેઢી ટેક-સેવી છે. નવી ટૅકનોલૉજીનો કાર્યક્ષમ ઉપયોગ કરે છે. ટૅક્નોલૉજીનો દુરુપયોગ અને શોષણ થઈ શકે છે. રાષ્ટ્રપતિએ નવી પેઢીને ટૅકનોલૉજીનો સારો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નીતિન ગડકરીએ કહ્યું કે જ્ઞાનને સંપત્તિમાં ફેરવવું એ ભવિષ્ય છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે નવી અને બદલાતી તકનીકોનો ઉપયોગ કરી શકે તેવા ગુણાત્મક માનવ સંસાધનોનું નિર્માણ કરવું એ યુનિવર્સિટી સામેનો એક મોટો પડકાર છે.