મહિલા દિન નિમિત્તે ‘વેજાઈના મોનોલોગ્સ’ની રજૂઆત ગુજરાતીમાં

મુંબઈ: ‘ધ વેજાઈના મોનોલોગ્સ’ ભારતમાં સૌથી લાંબો સમય ચાલેલા તેમ જ દેશભરમાં રજૂઆત થયેલા શો તરીકે ખ્યાતિ ધરાવે છે. હવે પિક્ચર પર્ફેક્ટ પ્રોડક્શન્સ એન્ડ પુઅર – બોક્સ પ્રોડક્શન્સ દ્વારા ‘વી’ નામથી હવે ઓળખાતા (જૂનું નામ ઇવ એન્સલર) અમેરિકન નાટ્ય લેખિકાના વૈશ્ર્વિક સ્તરે ગાજેલા શોનું ગુજરાતી સંસ્કરણ રજૂ કરવામાં આવશે. ગુજરાતીમાં એની રજૂઆત કૃતિકા દેસાઈ, રેડિયો જોકી દેવકી, સ્વાતિ દાસ, ગિરિજા ઓક અને મહાબાનુ મોદી – કોટવાલ દ્વારા કરવામાં આવશે. પ્રીમિયર શો આઠમી માર્ચે મહિલા દિન નિમિત્તે કરવામાં આવશે. ત્યારબાદ નવ માર્ચે તેજપાલ ઓડિટોરિયમમાં બીજા શોની રજૂઆત સાંજે સાડા સાતે કરવામાં આવશે. બે શો પછી ટીમ અમદાવાદમાં ૧૫ માર્ચે નટરાણી એમ્ફિથિયેટરમાં આમંત્રિત શો કરશે. મુંબઈ અને અમદાવાદમાં ગુજરાતીમાં રજૂ થનારા વર્લ્ડ પ્રીમિયર શો યુએસ કોન્સ્યુલેટ મુંબઈ અને રોટરી ક્લબ ઓફ મુંબઈ, નરીમન પોઇન્ટના સહયોગમાં થઈ રહ્યા છે.
શોના સહ નિર્માતા, સહ દિગ્દર્શક અને અભિનેત્રી મહાબાનુ મોદી – કોટવાલ છે.
આસિવાય સહ નિર્માતા અને સહ દિગ્દર્શક કૈઝાદ કોટવાલે છે.
આ મુદ્દે જાગરુકતા ફેલાય એ હેતુથી પેનલ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પહેલા ચર્ચા સત્રનું આયોજન ૧૨ માર્ચે ધ કથીડ્રલ એન્ડ જોન કેનન સ્કૂલમાં યુએસ કોન્સ્યુલેટ, મુંબઈ અને યુનિસેફના સહયોગમાં થઈ રહ્યું છે. મુંબઈમાં ચર્ચા સત્રની પેનલમાં મહાબાનુ મોદી – કોટવાલ, કૃતિકા દેસાઈ, ડૉ. નાયરિન દારુવાલા વગેરે હાજર હશે. બીજા ચર્ચા સત્રનું આયોજન અમદાવાદમાં કરવામાં આવશે જેની તારીખની જાહેરાત હવે પછી કરવામાં આવશે.