માંધાતા પર્વત પર વધુ એક લોક સાકાર કરવાની તૈયારી
18 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉજ્જૈનમાં મહાકાલ લોકને સાકાર કરવામાં આવ્યા બાદ હવે મધ્ય પ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકારે ઓંકારેશ્વરમાં નર્મદા નદીને કિનારે માંધાતા પર્વત પર 126 હેક્ટર જમીન પર વધુ એક લોક બનાવી રહી છે. આદિ શંકરાચાર્યને સમર્પિત આ લોકને એકાત્મ ધામનું નામ આપવામાં આવ્યું છે અને તેનું આકર્ષણ છે 108 ફૂટ ઊંચી શંકરાચાર્યના બાર વર્ષના બાળક સ્વરુપની પ્રતિમા.
2,414 કરોડના ખર્ચે બની રહેલા આ એકાત્મધામ પ્રોજેક્ટના સહાયક અધિકારી સુપ્રિય ગોસ્વામીએ મુંબઈ સમાચારને એવી માહિતી આપી હતી કે મૂર્તિનું અનાવરણ 18 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને દેશની ચારેય પીઠના શંકરાચાર્ય હાજર રહેશે. આ ઉપરાંત અનેક સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
અત્યારે આ સ્થળે મહામૂર્તિનું અનાવરણ કરી નાખવામાં આવશે. લોકો મૂર્તિને જોઈ શકશે, પરંતુ આખા એકાત્મધામના પ્રોજેક્ટને પૂર્ણ થતાં હજી ત્રણેક વર્ષ લાગશે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં શંકરાચાર્ય દ્વારા સ્થાપિત શારદા પીઠ મંદિરની પ્રતિકૃતિ આ સંકુલમાં બનાવવામાં આવશે એવી માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે અત્યારે શારદાપીઠ મંદિર પીઓકેની નિલમ ઘાટીમાં આવેલું છે અને અત્યંત જર્જરિત હાલતમાં છે. અત્યારે ત્યાં પીઠના નામે ફક્ત પ્રવેશ દ્વાર અને કમાન જ બચ્યા છે. શંકરાચાર્ય કેરળથી ચાલતા ચાલતા ઓંકારેશ્વર સુધી ગુરુની તપાસમાં આવ્યા ત્યારે તેમની ઉંમર આઠ વર્ષની હતી અને તેમને ભારત ભ્રમણ પર જવાનો આદેશ થયો ત્યારે તેમની ઉંમર બાર વર્ષની હતી એટલા માટે તેમના 12 વર્ષની વયના બાળસ્વરૂપની મૂર્તિ સાકાર કરવામાં આવી રહી છે.
એકાત્મ ધામમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોના માધ્યમથી ઉપનિષદની કથાઓનું નિરુપણ કરવામાં આવશે. અહીં એક આર્ટ ગેલેરી પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત મેડિટેશન સેન્ટર અને થિયેટર પણ બનાવવામાં આવશે. થિયેટરમાં શંકરાચાર્યના જીવનકથા દર્શાવવામાં આવશે. અહીં ચાર રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે, જે સોશ્યલ સાયન્સ, આર્ટ, સાહિત્ય અને સંગીતને સમર્પિત હશે. આ ઉપરાંત એક લાઈબ્રેરી અને છોકરા-છોકરીઓ માટે અલગ અલગ ગુરુકુળ રાખવામાં આવશે.
મૂર્તિનું મહારાષ્ટ્ર કનેક્શન
શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી મૂર્તિ જે પેઈન્ટિંગને આધારે તૈયાર કરવામાં આવી રહી છે તે પુણેના રહેવાસી ચિત્રકાર વાસુદેવ કામતે બનાવી છે. તેમના ચિત્રને આધારે મહારાષ્ટ્રના જ સોલાપુરમાં રહેનારા ભગવાન રામપુરેએ શંકરાચાર્યની મૂર્તિ તૈયાર કરી છે. આ બંને મુંબઈની વિશ્વ વિખ્યાત જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સના વિદ્યાર્થી છે. આ મૂર્તિને 500 વર્ષ સુધી કશું જ નહીં થાય.
એકાત્મ ધામનું ગુજરાત કનેક્શન
સુપ્રિય ગોસ્વામીએ એવી માહિતી આપી હતી કે આ સંકુલમાં બની રહેલું અદ્વૈત લોક નાગર શૈલીથી બનાવવામાં આવી રહ્યું છે અને તેને મૂર્ત સ્વરૂપ આપવાનું કામ સોમપુરા ભાઈઓ વીરેન્દ્ર સોમપુરા, વિપુલ સોમપુરા અને દેવદત્ત સોમપુરા કરી રહ્યા છે.
શ્રાવણમાં 2.05 કરોડ લોકોએ દર્શન કર્યા
મધ્ય પ્રદેશમાં વડા પ્રધાનના હસ્તે ખુલ્લા મૂકવામાં આવેલા મહાકાલ લોકની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં બે કરોડ પાંચ લાખ લોકોએ મહાકાલના દર્શન કર્યા હતા એમ મહાકાલ પ્રબંધ સમિતિના પ્રશાસક સંદીપ સોનીએ માહિતી આપી હતી. મંદિર પરિસરમાં હજુ કેટલુંક કામ ચાલી રહ્યું છે. આ કામ પૂર્ણ થયા બાદ મહાકાલ લોકની સુંદરતા વધુ ખીલી ઉઠશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.