
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના તીર્થ સ્થળોએ રોજની ભાવિકોની ગરદી વધી રહી છે અને તેને કારણે તીર્થસ્થળોના વિસ્તારમાં ટ્રાફિક જૅમની સમસ્યા વધી રહી છે. આનો ઉકેલ લાવવા માટે દેહુ, આણંદી, પંઢરપુર વગેરે તીર્થ સ્થળોના પરિસરમાં અત્યાધુનિક બસ ડેપો બાંધીને તેના પર રેમ્પની સુવિધા ધરાવતા પાર્કિંગ બાંધવાનો નિર્દેશ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે આપ્યો હતો.

મંગળવારે મંત્રાલયમાં ખેડ અને આણંદી મતદારસંઘના વિવિધ વિકાસ કામ અંગે સમીક્ષા બેઠક અજિત પવારે આયોજિત કરી હતી.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે તીર્થ સ્થળ આણંદી ખાતે અષાઢી વારી ઉપરાંત આખું વર્ષ મોટા પ્રમાણમાં ભાવિકો આવતા હોય છે. આવેલા ભાવિકોને ટ્રાફિક જૅમનો સામનો કરવો ન પડે તે માટે પાર્કિંગ માટે પૂરતી જગ્યા હોવી આવશ્યક છે. એસટી બસ ડેપોની ઈમારત પર રેમ્પની સુવિધા સાથેનું પાર્કિંગ બાંધવાનો પ્રસ્તાવ તૈયાર કરવો. આ ઉપરાંત બસ ડેપો પરિસરમાં ઈલેક્ટ્રિક વાહનના ચાર્જિંગની વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી. બસ ડેપોમાં એસટી મહામંડળની 652 ચોરસ મીટર જગ્યા પ્રસ્તાવિત છે. આને માટે એસટીની જગ્યાનું વળતર જિલ્લા નિયોજન સમિતિમાંથી આપીને જગ્યા નગરપાલિકાને હસ્તાંતરિત કરવાનો નિર્દેશ તેમણે આપ્યો હતો.