પ્રધાન કદમની માતાના નામના બાર લાઇસન્સ સરેન્ડર, દોષી અંતરાત્મા દર્શાવે છે: પરબ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના ગૃહખાતાના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ કદમની માતાના નામનું બાર લાઇસન્સ શુક્રવારે સરેન્ડર કરવામાં આવ્યું હતું તેના પર આ મુદ્દે હોબાળો કરનારા શિવસેના (યુબીટી)ના નેતા અનિલ પરબે એવો દાવો કર્યો હતો કે, આ ‘અપરાધની કબૂલાત’ છે અને તેમને બરતરફ કરી નાખવા જોઈએ.
‘યોગેશ કદમની માતાએ સરકારને લાઇસન્સ પાછું સોંપી દીધું છે, પરંતુ તે પ્રધાનને તેમના પરિવાર દ્વારા ડાન્સ બાર ચલાવવાના આરોપથી મુક્ત કરી શકતું નથી,’ એમ પરબે અહીં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
આપણ વાંચો: ગાયકવાડ ગોળીબાર પ્રકરણ બાદ શસ્ત્રોના લાઇસન્સ ઉપર સવાલ
જોકે પરબના દાવા પર યોગેશ કદમની પ્રતિક્રિયા તાત્કાલિક ઉપલબ્ધ થઈ નહોતી. ‘મેં પોલીસને (મુંબઈમાં) સાવલી બાર સામે લેવામાં આવેલી કાર્યવાહી વિશે પૂછ્યું હતું. આજે, લાઇસન્સ પાછું સોંપવામાં આવ્યું છે, પરંતુ આનાથી પ્રધાન છૂટી શકશે નહીં,’ એમ પરબે કહ્યું હતું.
‘લાઇસન્સ પાછું સોંપવું એ તો એક રીતે અપરાધની કબૂલાત છે,’ એમ તેમણે વધુમાં કહ્યું હતું. ‘જો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કદમને બરતરફ નહીં કરે, તો તે ખોટો સંદેશ આપશે,’ એમ પરબે કહ્યું હતું.
આપણ વાંચો: મહારાષ્ટ્રના બાર, પરમિટ રૂમનો ટેક્સ વધારાના વિરોધમાં 14 જુલાઈએ ડ્રાય ડે
ગયા મહિને વિધાનસભા પરિષદમાં આ મુદ્દો ઉઠાવ્યા પછી, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની હરીફ શિવસેનાના પ્રધાને સ્વીકાર્યું હતું કે લાઇસન્સ તેમની માતાના નામે છે, પરંતુ એવો દાવો કર્યો હતો કે બાર કોઈ અન્ય દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો.
પરબે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પોલીસે 2023માં અને આ વર્ષે પણ બાર પર દરોડા પાડ્યા હતા. કદમ અને પરબ વચ્ચેનો દુશ્મનાવટ એ સમયથી ચાલી રહી છે જ્યારે બંને અવિભાજિત શિવસેનાનો ભાગ હતા અને પરબ 2019થી 2022 સુધી રત્નાગિરિ જિલ્લના – જ્યાં કદમના પિતા, સેનાના અનુભવી નેતા રામદાસ કદમ રહે છે – ના પાલક પ્રધાન હતા.