પવઇ બંધક ડ્રામા: રોહિત આર્યએ 80,000 શાળાઓમાંથી ગેરકાયદે ચાર કરોડ રૂપિયા એકઠા કર્યા હતા…

મુંબઈ: પવઇના સ્ટુડિયોમાં 17 બાળકોને બંધક બનાવ્યા બાદ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયેલો રોહિત આર્ય સૌપ્રથમ 2013માં ગુજરાતમાં લેટ્સ ચેન્જ પ્રોજેક્ટ સાથે ચર્ચામાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે 2014માં રાજ્યના સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો અને 2022-23માં તેણે એ ક્ધસેપ્ટ મહારાષ્ટ્રના શિક્ષણ વિભાગ સમક્ષ રજૂ કર્યો હતો અને તેનું રિબ્રેન્ડિંગ સ્વચ્છતા મોનિટર તરીકે કરવામાં આવ્યું હતું
શાળાના બાળકોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવા (ખાસ કરી મોટી વયના લોકોને જાગૃત કરીને) માટેનો આ ક્ધસેપ્ટ અગાઉની એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારના મુખ્યમંત્રી માઝી શાળા, સુંદર શાળા અભિયાન હેઠળ અપનાવવામાં આવ્યો હતો.
પવઇમાં ગુરુવારે બનેલી બાળકોને બંધક બનાવવાની ઘટના બાદ રાજ્ય શિક્ષણ વિભાગના લોકોએ રોહિત આર્યએ સરકારની પરવાનગી વિના કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફી તરીકે લગભગ 80,000 શાળાઓમાંથી ચાર કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. આ વાત સામે આવ્યા બાદ સરકારે આર્યને વ્યવહારોના દસ્તાવેજોે રજૂ કરવા અને ગેરકાયદે મેળવેલી રકમ પાછી કરવા માટે કહ્યું ત્યારે તેણે તમામ વાતચીત બંધ કરી દીધી હતી.
એક દાયકા અગાઉ ગુજરાતમાં આર્યના લેટ્સ ચેન્જ અભિયાનને એ સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ બિરદાવ્યું હતું. તેની સફળતા બાદ ગુજરાત સરકારે 2014ની શરૂઆતમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનની જાહેરાત કરી હતી. તેની સફળતાને જોતા 2014માં તેને મિશન સ્વચ્છ ભારત સુધી લંબાવવામાં આવ્યું હતું.
શિવસેનામાં વિભાજન બાદ, જ્યારે મહાયુતિ સરકાર 2022માં સત્તામાં આવી, ત્યારે આર્યએ લેટ્સ ચેન્જ બ્રાન્ડ હેઠળ શાળાઓમાં સ્વચ્છતા અભિયાન માટે એ સમયના શાળા શિક્ષણ પ્રધાન દીપક કેસરકરનો સંપર્ક સાધ્યો હતો. એવું માનવામાં આવે છે કે તેની સફળતાએ તેના માટે શાળા શિક્ષણ વિભાગ સાથે કામ કરવાના દરવાજો ખોલી દીધા.
આ પણ વાંચો…રોહિત આર્ય કેસ: મહારાષ્ટ્ર સરકારે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા 2 કરોડના દાવાને નકારી કાઢ્યો…
આર્યએ શાળા પાસેથી કેવી રીતે ભંડોળ એકઠું કર્યું?
શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આર્યએ ટેકાના દસ્તાવેજો વિના જાહેરાત, સંચાલન અને ટેક્નિકલ સપોર્ટ માટેના ખર્ચ દર્શાવતો બજેટ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જ્યારે આ પ્રસ્તાવ વિચારણા હેઠળ હતો, ત્યારે એજ્યુકેશન કમિશનર કાર્યાલયને કેટલીક શાળાઓ તરફથી ફરિયાદ મળી હતી કે સ્વચ્છતા મોનિટર 2024-25માં ભાગ લેવા માટે આર્ય દ્વારા રજિસ્ટ્રેશન ફી તરીકે 499 રૂપિયા વસૂલવામાં આવ્યા.
ફરિયાદોની તપાસ કરતી વખતે અમારા ધ્યાનમાં આવ્યું હતું કે કુલ 1.10 લાખ શાળાઓમાંથી લગભગ 80,000 શાળાઓએ આ પહેલ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેનો એ અર્થ થાય છે કે આશરે ચાર કરોડ રૂપિયા ગેરકાયદે એકઠા કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ પ્રોજેક્ટ પર રોક લગાવાઇ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…‘બાળકોને બંધક બનાવાય છે એવો સીન આપણે શૂટ કરવાના છીએ’



