પવઈમાં 3.30 કરોડનું ચરસ જપ્ત: ડ્રગ તસ્કરની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પવઈમાં ડ્રગ્સની તસ્કરી સાથે સંકળાયેલા આરોપીની ધરપકડ કરી પોલીસે તેની પાસેથી અંદાજે 3.30 કરોડ રૂપિયાનું ઉચ્ચ ગુણવત્તાવાળું ચરસ અને દેશી રિવોલ્વર જપ્ત કરી હતી.
પવઈ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મોહમ્મદ સાદીક હનિફ સૈયદ (46) તરીકે થઈ હતી. આરોપી વિરુદ્ધ ડ્રગ્સના ગેરકાયદે વેચાણ બાબતે બે ગુના નોંધાયેલા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ સબ-ઈન્સ્પેક્ટર સરકની ટીમ સોમવારની રાતે પવઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ડ્રગ્સ તસ્કર કારમાં આવવાનો હોવાની માહિતી મળી હતી. માહિતીને આધારે પોલીસની ટીમે વિહાર સરોવર પાસેના કબ્રસ્તાન નજીક ગ્રે રંગની કારને આંતરી હતી. કારમાં હાજર સૈયદને તાબામાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Banaskanthaમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી; 2 લાખની કિંમતનો બિન આરોગ્યપ્રદ જથ્થો જપ્ત
પોલીસને કારમાંથી 6.32 કિલો ચરસ મળી આવ્યું હતું. એ સિવાય કારમાં સંતાડી રાખેલી રિવોલ્વર પણ જપ્ત કરાઈ હતી. વધુ પૂછપરછ પછી સૈયદની નજીકમાં જ આવેલી રૂમ પર પોલીસની ટીમ પહોંચી હતી. રૂમમાંથી વધુ 7.185 કિલો ચરસ મળ્યું હતું. આરોપી પાસેથી કુલ 3.30 કરોડ રૂપિયાનું ચરસ જપ્ત કરવામાં આવ્યું હોવાનું પોલીસનું કહેવું છે.
આરોપી વિરુદ્ધ એનડીપીએસ ઍક્ટ અને આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીએ ચરસ ક્યાંથી મેળવ્યું અને કોને વેચવાનો હતો તેની તપાસ પોલીસ કરી રહી છે.