પવઈમાં એરહોસ્ટેસની હત્યા કરનારા આરોપીની પોલીસ લોકઅપમાં આત્મહત્યા
મુંબઈ: પવઈમાં એરહોસ્ટેસ રુપલ ઓગરેની ગળું ચીરીને હત્યા કરવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી વિક્રમ અથવાલે શુક્રવારે સવારે 9:30 કલાકે પોલીસ સ્ટેશનના લોકઅપમાં આત્મહત્યા કરી હતી. મળતી માહિતી મુજબ ટોયલેટ જવાના બહાને આરોપી બાથરૂમમાં ગયો હતો અને પોતાના પેન્ટની મદદથી તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો. દરમિયાન આ કેસમાં પોલીસે ગુનો આચરતી વખતે આરોપીએ પહેરેલાં કપડાં અને ચાકુ પણ સોસાયટી પાછળનાં ઝાડીઝાંખરાંમાંથી શોધી કાઢ્યા હતાં.
પવઈ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન આરોપી વિક્રમ અથવાલે (૪૦) રૂપલની હત્યા બાદ ચાકુ અને કપડાં ક્યાં ફેંક્યાં હતાં તે અંગે માહિતી આપી હતી. રૂપલ જે સોસાયટીમાં રહેતી હતી તેની પાછળ ઝાડીઝાંખરાંમાં તેણે કપડાં અને ચાકુ ફેંક્યાં હતાં. પોલીસે તાબામાં લીધેલાં કપડાં અને ચાકુ તપાસ માટે ફોરેન્સિક લૅબોરેટરીમાં મોકલી આપ્યાં હતાં. આરોપીએ પૂછપરછમાં ઘટનાક્રમ પણ જણાવ્યો હોવાનો દાવો અધિકારીએ કર્યો હતો.
છત્તીસગઢમાં રહેતી રૂપલ ટ્રેનિંગ માટે એપ્રિલમાં મુંબઈ આવી હતી અને પવઈના અશોક નગર સ્થિત એન. જી. આવ્યાં છે. કોમ્પ્લેક્સમાં રહેતી હતી. રવિવારે રાતે રૂપલનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં ફ્લૅટમાંથી મળી આવ્યો હતો. ગળું ચીરી તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે સોસાયટીના સફાઈ કર્મચારી વિક્રમની ધરપકડ કરી હતી. કોર્ટે તેને શુક્રવાર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પોલીસના જણાવ્યા મુજબ પરિણીત અને બે પુત્રીના પિતા એવા આરોપી વિક્રમને તેના પવઈ સ્થિત ઘરમાંથી તાબામાં લેવાયો હતો. આ કેસમાં સાતથી વધુ લોકોનાં નિવેદન નોંધવામાં આવ્યા છે. યુવતીની હત્યા પૂર્વનિયોજિત હોવાનું પોલીસનું માનવું છે, કારણ કે હત્યાના ત્રણ દિવસ અગાઉ આરોપીએ ચાકુ ખરીદ્યું હતું.