(અમારા પ્રતિનિધિ તરફથી)
Mumbai: મુંબઈના મોટાભાગના સાર્વજનિક ગણેશ મંડળોની વિશાળ ગણેશમૂર્તિઓનું આગમન તેમના મંડપમાં થઈ ગયું છે, છતાં મુંબઈના રસ્તા પરના ખાડાઓની સમસ્યા જેમની તેમ જ રહી છે. મુંબઈ મહાનગરપાલિકાએ રસ્તા પરના ખાડાઓને યુદ્ધના ધોરણે પૂરી નાંખ્યા હોવાનો દાવો કર્યો છે, છતાં મુંબઈના દૂર દૂરના વિસ્તારોથી દક્ષિણ મુંબઈના કારખાનામાં ગણેશમૂર્તિને લેવા ગયેલા મોટાભાગના ગણેશમંડળોને રસ્તા પરના ખાડાઓનું વિધ્ન નડ્યું હતું. ત્યારે સુધરાઈ પ્રશાસનનું એક જ ગાણું ચાલી રહ્યું છે મોટાભાગના ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે અને જયાં ખાડાની ફરિયાદ આવે છે તેને યુદ્ધના ધોરણે પૂરી દેવામાં આવે છે.
એક તરફ લાડલા ગણપતિબાપ્પાને તેડવાનો આનંદ તો બીજી તરફ રસ્તા પર હજી પણ રહી ગયેલા ખાડાઓને કારણે ગણેશમૂર્તિને નુકસાન થાય નહીં તેની ચિંતા વચ્ચે ‘ગણપતિબાપ્પા મોરયા’ના ગજનાદ સાથે ગણેશભક્તો રવિવારે દાદર, પરેલ, ચિંચપોકલી અને લાબાગમાં આવેલા કારખાનામાંથી મૂર્તિઓને મંડપમાં લઈ ગયા હતા. ગણેશોત્સવના તહેવારને ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે મુંબઈના લગભગ ૮૫થી ૯૦ ટકા સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની ગણેશમૂર્તિ તેના મંડપના સ્થળે પહોંચી ગઈ છે. જોકે મોટાભાગના મંડળોએ રસ્તા પરના ખાડા પ્રત્યે પાલિકા સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. તો હજી પણ અનેક મંડળોને મંજૂરી આપવામાં આવી નથી.
સાર્વજનિક ગણેશમંડળોની અરજીને રીજેક્ટ કરવામાં આવી છે, તેથી મંડળોમાં નારાજગી જોવા મળી રહી છે.
બૃહનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના સેક્રેટરી ગિરીશ વાલાવલકરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મુંબઈના મોટાભાગના સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની મૂર્તિઓનું આગમન થઈ ગયું છે.
એટલે કે લગભગ ૮૦થી ૮૫ ટકા સાર્વજનિક મંડળોની મૂર્તિઓ આવી ગઈ છે. હવે બાકીની ૧૦થી ૧૫ ટકા મૂર્તિઓનું શુક્રવારે મોડી રાતના અથવા શનિવારે આગમન થશે. સાર્વજનિક મંડળો ધૂમધામથી તેમના ગણપતિબાપ્પાની મૂર્તિઓને લઈ ગયા છે, જોકે તેમને સતત રસ્તા પરના ખાડાઓનું ટેન્શન રહ્યું હતું.
રસ્તા પરના ખાડાઓ બાબતે ગિરીશ વાલાવલકરે કહ્યું હતું કે પાલિકા સાથે અમે સતત સંપર્કમાં છે અને તેઓ યુદ્ધના ધોરણે ખાડા પૂરવામાં આવી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે, છતાં હજી પણ અનેક જગ્યાએ રસ્તા પર ખાડા દેખાઈ રહ્યા છે.
ગણપતિના આગમન પહેલા રસ્તા ખાડા મુક્ત કરવાનો દાવો પાલિકા અને સરકારે કર્યો હતો, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખાડા કેવી રીતે પૂરવામાં આવશે. વરસાદને કારણે ખાડાઓની સંખ્યા પણ વધશે. તેથી જે રીતે ગણેશજીનું આગમન ખાડામય રસ્તાઓ પર થયું છે, તેવી જ રીતે તેમનું વિસર્જન પણ ખાડાવાળા રસ્તા પરથી થશે એવું જણાઈ રહ્યું છે.
એટલું જ નહીં પણ લાલબાગમાં આવેલા બ્રિજ પરથી વરસાદ દરમિયાન પાણી પડતું હોવાને કારણે મંડળોેને તકલીફ થતી હોવાની ફરિયાદ કરી કરીને થાકી ગયા છે, છતાં હજી સુધી પાલિકાએ તેને લઈને કોઈ પગલા લીધા નથી.
અનેક મંડળોની અરજી રિજેક્ટ કરાઇ
ખાડાઓની સમસ્યા સાથે જ અનેક મંડળોની અરજીને પોલીસ દ્વારા રિજેક્ટ કરી દેવામાં આવી છે, એ બાબતે ગિરીશ વાલાવલકરે કહ્યું હતું એક તરફ સરકાર દાવો કરી રહી છે કે પાંચ વર્ષ સુધીની પરમીશન આપી દેવામાં આવશે. મંડળોને કોઈ ત્રાસ આપવામાં નહીં આવે.
પરંતુ ઓનલાઈન અરજી કરવા દરમિયાન પાલિકા તરફથી અને અન્ય એજન્સીઓપાસેથી મંજૂરી મળી ગઈ છે, પરંતુ પોલીસ વિભાગ તરફથી અનેક મંડળોની મંજૂરીને રીજેક્ટ કરી દેવામાં આવી છે. વાલકેશ્ર્વનરના એક જાણીતા અને બહુ જૂના ગણેશમંડળ પાસે ગયા વર્ષથી પરમીશન છે, છતા પોલીસે આ મંડળની અરજીને રીજેક્ટ કરી નાખી છે.
Also Read –