મુલુંડમાં ધારાવી?અપાત્ર રહેવાસીઓનો કાયમી વસવાટ થવાની શકયતા
મુંબઈ: મુલુંડમાં પ્રોજેક્ટ પીડિતોના ઘરનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મુલુંડમાં ધારાવી પ્રોજેક્ટના અપાત્ર રહેવાસીઓને પુન:સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને મુલુંડ વિસ્તારમાં અપાત્ર રહેવાસીઓ માટે ભાડાના મકાનો માટે ૬૪ એકર જેટલી જમીન આપવાનો આદેશ આપ્યો છે. આમાંથી ૪૬ એકર જમીન મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડની હોવાનું કહેવાય છે.
ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની સાડા ત્રણથી ચાર લાખ અપાત્ર રહેવાસીઓ માટે પરવડે તેવા ભાડાના મકાનો બાંધશે. મુલુંડ પૂર્વના કેલકર કોલેજ વિસ્તારમાં પ્રોજેક્ટ પ્રભાવિત લોકો માટે સાડા સાત હજાર મકાનો બનાવવામાં આવી રહ્યા છે. આ મકાનોને કારણે મુલુંડની વસ્તી લગભગ ૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધી વધશે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ મકાનો સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. તે પછી, હવે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના નાગરિકો માટે મુલુંડમાં ઘરો બનાવવાનો
નિર્ણય પ્રસ્તાવિત છે. ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રા. લિ. કંપનીએ રાજ્ય સરકાર પાસેથી અયોગ્ય રહેવાસીઓ માટે ભાડાના મકાનો બાંધવા માટે કોઈ ચોક્કસ જમીન આપવા માટે કોઈ સૂચના કે માંગણી કરી નથી.
જ્યારે પ્રોજેક્ટ પ્રભાવિત લોકો માટે ઘરો પહેલેથી જ બાંધવામાં આવી રહ્યા છે, ત્યારે ધારાવીના નાગરિકોના ઘરો માટે મુલુંડનો ઉપયોગ શા માટે કરવો? એવો સવાલ સામાજિક કાર્યકરે કર્યો છે. સરકારના પરિપત્રમાં ટ્રાન્ઝિટ કેમ્પ કે ટેમ્પરરી હાઉસિંગ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આનો અર્થ એ થયો કે ધારાવીના રહેવાસીઓનું મુલુંડમાં કાયમી વસવાટ થવાની શક્યતા છે.