પોર્શે કાર અકસ્માતના વિવિધ પાસાંની તપાસ કરવા પોલીસની 12 ટીમ બનાવાઇ

પુણે: રિયલ એસ્ટેટ ડેવલપરના 17 વર્ષના પુત્રને સંડોવતા પોર્શે કાર અકસ્માત કેસમાં વ્યાપક તપાસ હેઠળ વિવિધ પાસાંમાં ઊંડાણથી જોવા માટે 100થી વધુ પોલીસની એક ડઝન ટીમ તૈયાર કરવામાં આવી છે.
પુણેમાં કલ્યાણી નગર જંકશન પર 19 મેએ મળસકે ટીનેજરે પોર્શે કાર હંકારીને મોટરસાઇકલને અડફેટમાં લેતાં બે સોફ્ટવેર એન્જિનિયરનાં મોત થયાં હતાં. આ અકસ્માત બાદ પોલીસ દ્વારા ત્રણ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા હતા.
આ ત્રણ કેસમાં અકસ્માત સંબંધમાં એક એફઆઇઆર, સગીરને દારૂ પીરસવા બદલ બાર વિરુદ્ધ બીજો એફઆઇઆર, જ્યારે લાઇસન્સ વિના સગીર પુત્રને કાર હંકારવા આપવા બદલ પિતા વિરુદ્ધ ત્રીજો એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો. ત્રીજો કેસ અકસ્માત બાદ દોષ પોતાના માથે લેવા માટે રાજી ન થનારા પરિવારના ડ્રાઇવરનું અપહરણ કરવા અને તેને બંગલોની રૂમમાં ગોંધી રાખવા સંબંધી છે.
એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઇમ) શૈલેષ બાળકવડેએ જણાવ્યું હતું કે આ પ્રકરણની તપાસ વ્યાવસાયિક અને અસરકારક રીતે થાય તે માટે અમે ઘણી બધી ટીમ તૈયાર કરી છે. અધિકારીઓ સહિત 100થી વધુ પોલીસ કેસના વિવિધ પાસાંની તપાસ કરી રહ્યા છે.
ત્રણ કેસની તપાસ કરવા આઠથી દસ કર્મચારીઓનો સમાવેશ ધરાવતી ત્રણ ટીમ બનાવવામાં આવી છે. કેસ મજબૂત બનાવવા દસ્તાવેજીકરણ માટે બે ટીમ, સીસીટીવી ફૂટેજ તપાસવા માટે એક ટીમ, ટેક્નિકલ વિશ્ર્લેષણ અને ફિલ્ડ ઓપરેશન્સ માટે ત્રણ ટીમ બનાવી છે. ઉપરાંત આરોપીને એસ્કોર્ટ કરવા અને સંદેશવ્યવહાર કરવા પ્રત્યેકી એક ટીમ બનાવાઇ છે. (પીટીઆઇ)