પોર્શે કાર અકસ્માત: સમિતિએ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડના બે સભ્ય સામે શિસ્તભંગનાં પગલાં લેવાની ભલામણ કરી

પુણે: પુણેના કલ્યાણીનગરમાં મળસકે પોર્શે કાર હંકારી બાઇકને અડફેટમાં લેવા અને બે સોફ્ટવેર એન્જિનિયરના મૃત્યુ માટે કારણભૂત થવા બદલ ધરપકડ કરાયેલા રિયલ એસ્ટેટ ડેવલપરના સગીર પુત્રને ગણતરીના કલાકોમાં જામીન આપવા સંબંધમાં જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (જેજેબી)ના બે સભ્યના આચરણની તપાસ કરવા માટે સમિતિ નીમવામાં આવી હતી. સમિતિએે ‘પ્રક્રિયામાં ખામી’ બદલ બંને સભ્ય સામે શિસ્તભંગનાં પગલાં લેવાની ભલામણ કરી છે.
કલ્યાણીનગર વિસ્તારમાં 19 મેના મળસકે સગીરે દારૂના નશામાં પોર્શે કાર હંકારીને બાઇકને ટક્કર મારતાં અશ્ર્વિની કોશ્ટા અને અનિશ અવધિયાનાં મોત થયાં હતાં. બંને મધ્ય પ્રદેશના વતની હતાં. પોલીસે સગીરને તાબામાં લઇને જેજેબીના સભ્ય એલ.એન. દાનવડે સમક્ષ હાજર કર્યો હતો અને તેમણે માર્ગ સુરક્ષા પર 300 શબ્દનો નિબંધ લખવા સહિત અત્યંત હળવી શરતો પર તેને જામીન આપ્યા હતા, જે પછી દેશભરમાં ઊહાપોહ મચી ગયો હતો.
આ પણ વાંચો: પુણેમાં પોર્શે કાર અકસ્માત: ટીનેજરે જામીનની શરતોનું પાલન કરવા માર્ગ સુરક્ષા પર 300 શબ્દનો નિબંધ સુપરત કર્યો
બાદમાં રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જેજેબીના બે સભ્યના આચરણની તપાસ કરવા માટે સમિતિ નીમવામાં આવી હતી. સમિતિના અહેવાલમાં જેજેબીના બે સભ્યો દ્વારા જામીન આપવા દરમિયાન પ્રક્રિયામાં ક્ષતિ રાખી હતી, ખોટું આચરણ કર્યું હતું અને નિયમભંગ કર્યો હતો, એવું તારણ કાઢવામાં આવ્યું છે.
સમિતિએ જેજેબીના બંને સભ્યનાં નિવેદન પણ નોંધ્યાં છે. સમિતિએ પ્રક્રિયામાં ખામી રાખવા માટે પગલાં લેવાની ભલામણ કરી છે. અહેવાલનાં તારણોને આધારે જેજેબીના બંને સભ્યને કારણ દર્શાવો નોટિસ આપવામાં આવી હતી. જોકે તેમના જવાબ સંતોષકારક નહીં હોવાથી અમે રાજ્ય સરકારને જાણ કરી છે અને શિસ્તભંગના પગલાં લેવાની ભલામણ કરી છે, એમ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)