આમચી મુંબઈ

54 લાખથી વધુની વસ્તી, પોલીસ માત્ર 2,100

મીરા-ભાયંદર-વસઈ-વિરાર પોલીસ અડધા માનવબળ સાથે કામ કરે છે

મુંબઈ શહેરમાં વધતી વસ્તી અને રહેણાંકની ટાંચને કારણે મુંબઈને જોડતા પશ્ચિમ ભાગમાં શહેરની ભાગોળે મીરા ભાયંદર-વસઈ વિરાર વિસ્તારોમાં વસ્તીનો ફેલાવો થયો છે. જ્યાં માત્ર રહેણાંક જ નહીં, પણ નાના-મોટા અનેક ઔદ્યોગિક એકમો સાથે આવી જ રીતે વિસ્તરેલો વિસ્તાર છે. પરંતુ આ પરાંઓની સુવિધાઓને નામે મીંડું જોવા મળે છે. આવી જ હાલત ત્યાંની કાયદો અને વ્યવસ્થા સાંભળતા પોલીસ વિભાગની પણ છે. 54 લાખથી વધુની વસ્તી, ગુનાખોરીના દરમાં વધારો અને સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે, મીરા ભાઈંદર-વસઈ વિરાર પોલીસ કમિશનરેટ, જે 1 ઓક્ટોબર, 2020 અસ્તિત્વમાં આવ્યું હતું, કોઈ ભરતી ન થવાને કારણે મંજૂર સંખ્યા કરતા લગભગ અડધા માનવબળ સાથે કામ કરે છે.
એમબીવીવી પોલીસ કમિશનરેટની રચના પછી, પોલીસ કોન્સ્ટેબલની બે મોટા લોટની ભરતી થવાની હતી, પરંતુ તેની સ્થાપના સમયે પૂરા પાડવામાં આવેલ 2,100 માનવબળ સિવાય એક પણ ભરતી થઈ નથી, જ્યારે મંજૂર સંખ્યા 4,708 હતી. રાજ્ય સરકારે પોલીસ કમિશનરેટ માટે શરૂઆતમાં 174 કરોડનું બજેટ ફાળવ્યું હતું. થાણે ગ્રામીણમાંથી કુલ 1,006 પોસ્ટ, પાલઘર જિલ્લામાંથી 1,165 અને અન્ય વિસ્તારોમાંથી 317 કર્મચારીઓને નવા સેટ-અપમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. આગામી બે વર્ષમાં ભાગોમાં ભરતી દ્વારા વધારાના 2,200 કર્મચારીઓ ઉમેરવાના હતા, જે બન્યું નહીં.
હવે, દળમાં પોલીસ કમિશનર, એક વધારાના પોલીસ કમિશનર, પાંચ નાયબ પોલીસ કમિશનર, 10 મદદનીશ પોલીસ કમિશનર, 66 પોલીસ ઇન્સ્પેક્ટર, 109 આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર, 173 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 1,886 કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. મુંબઈમાં, પોલીસ અને નાગરિકોનું પ્રમાણ દર 336 નાગરિકે 1નું છે જે અપૂરતું સાબિત થાય છે, જ્યારે એમબીવીવીમાં 1:1,146 છે. જેમાં 17 પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને કોન્સ્ટેબલરીના સભ્યો મળીને તમામ 2,100 કર્મચારીઓ અને 391 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી આશરે 54 લાખની વસ્તીને સેવા આપીને કાયદો અને વ્યવસ્થાનું સંચાલન કરવા ઉપરાંત અન્ય પોલીસિંગ ફરજો પણ બજાવવાની રહે છે. મંજૂર સંખ્યા પણ જોડિયા શહેરની વસ્તી કરતાં ઓછી છે, ત્યાં તેમાં પણ અડધી ક્ષમતા સાથે પોલીસોને નિયત સમય કરતાં બમણું કામ કરવું પડે છે જે અત્યંત મુશ્કેલ છે.
પોલીસ કમિશનરેટ પાસે બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ જેવા વિશિષ્ટ એકમો પણ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે માનવબળની અછતને કારણે તપાસ ધીમી પડી છે, એફઆઈઆરમાં રૂપાંતરિત કરવા માટેની અરજીઓનો મોટો બેકલોગ સર્જાયો છે અને અન્ય બાબતો સાથે, પેટ્રોલિંગ ડ્યુટી પરના પોલીસકર્મીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. તદુપરાંત, સામાજિક સેવા શાખા, આર્થિક ગુના શાખા અને આતંકવાદ વિરોધી એકમ જેવી વિશેષ શાખાઓ માત્ર 15 અધિકારીઓ સાથે કામ કરે છે. ટ્રાફિક પોલીસ વિભાગને માત્ર 250 કર્મચારીઓના મેનપાવર સાથે સૌથી વધુ સહન કરવું પડે છે. જોકે નાયબ પોલીસ કમિશનર પ્રકાશ ગાયકવાડે જણાવ્યું હતું કે, અત્યારે તાલીમ લઇ રહેલા 1000 પોલીસકર્મીઓ માર્ચ 2024માં દળમાં જોડાશે, જે બાદ રાહત મળવાની અપેક્ષા છે. જ્યાં સુધી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી, મહારાષ્ટ્ર સુરક્ષા દળના 500 કર્મચારીઓ તેમને મદદ કરે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. માનવબળની અછતને કારણે નિવારક પગલાં લેવાનું મુશ્કેલ બને છે. “નાલાસોપારા અને વિરાર અને મીરા રોડના વિસ્તારો પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયા છે કારણ કે અસામાજિક તત્ત્વો આવે છે અને ત્યાં કોઈ પણ કાનૂની દસ્તાવેજો વિના અને તપાસ્યા વગર રહે છે,” એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button