લોકઅપ’ ફેમ પૂનમ પાંડેનું નિધન, સર્વાઇકલ કેન્સરને કારણે થયું મૃત્યુ….
મુંબઈ: વિવાદો સાથે હંમેશા જોડાયેલી રહેલી પૂનમ પાંડેનું આજે મૃત્યુ થયું છે. અભિનેત્રીના મૃત્યુના સમાચાર પૂનમના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા છે. જો કે અગાઉ ક્યારેય પૂનમની બીમારી કે તે એડમિટ થઈ હોય તેવા કોઈ સમાચાર ક્યારેય સાંભળવામાં આવ્યા નથી આથી પૂનમના આકસ્મિક મૃત્યુના સમાચારે સૌને ચોંકાવી દીધા છે.
પૂનમ સૌપ્રથમ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે જાહેરાત કરી કે જો ભારતીય ક્રિકેટ ટીમ 2011નો વર્લ્ડ કપ જીતી જશે તો તે નિર્વસ્ત્ર થશે. જો કે લોકોએ તેની આ જાહેરાતની ટીકા કરી હતી અને બીસીસીઆઈએ પણ તેને આવું કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો હતો. 1991માં જમ્નેલી પૂનમ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી હતી. વર્ષ 2011માં પૂનમ કિંગફિશર કેલેન્ડર ગર્લ બની અને ત્યારબાદ વર્ષ 2013માં તેણે ફિલ્મ નશાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે આજના દિવસની શરૂઆત ઘણી જ મુશ્કેલ છે. તમને જણાવતા અમને ખૂબ જ દુઃખ થાય છે કે સર્વાઇકલ કેન્સરને કારણે અમે અમારી પ્રિય પૂનમને ગુમાવી દીધી છે. આ દુ:ખના સમયમાં અમને તમારો સાથ અને સહકાર મળે તેવી આશા રાખીએ છીએ તેમજ તેને કરેલી તમામ સારી બાબતો માટે તેને યાદ રાખીશું.
નોંધનીય છે કે પૂનમ પાંડે એ અંદાજે છ ફિલ્મોમાં કામ કર્યું છે તેમજ તે કંગનાના શો લોકઅપમાં પણ જોવા મળી હતી.