ટ્રક ડ્રાઇવરના અપહરણનો કેસ: ભૂતપૂર્વ આઇએએસ પૂજા ખેડકરના પિતા, બોડીગાર્ડ ગાયબ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ટ્રક ડ્રાઇવરના અપહરણનો કેસ: ભૂતપૂર્વ આઇએએસ પૂજા ખેડકરના પિતા, બોડીગાર્ડ ગાયબ

થાણે: નવી મુંબઈમાં રોડ રેજની ઘટના બાદ ટ્રક ડ્રાઇવરનું એસયુવીમાં અપહરણ કરવા પ્રકરણે વિવાદાસ્પદ ભૂતપૂર્વ આઇએએસ ઓફિસર પૂજા ખેડકર અને તેના બોડીગાર્ડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ બંને જણ ગાયબ થઇ ગયા છે.

વળી, એક દિવસ પૂર્વે પુણેમાં પોતાના ઘરમાં પોલીસ અધિકારીઓને પ્રવેશતા રોકનારી ખેડકરની માતા મનોરમા પણ ભૂગર્ભમાં ચાલી ગઇ છે, એમ નવી મુંબઈ પોલીસે જણાવ્યું હતું.

નવી મુંબઇથી શનિવારં સાંજે અપહરણ કરાયેલા ટ્રક ડ્રાઇવર પ્રહ્લાદ કુમાર (22)નો પોલીસ ટીમે રવિવારે પુણેમાં પૂજા ખેડકરના નિવાસેથી છુટકારો કરાવ્યો હતો.

શનિવારે સાંજના ડ્રાઇવર કુમાર કોંક્રીટ મિક્સર ટ્રક લઇને મુલુંડ-ઐરોલી રોડ પરથી જઇ રહ્યો હતો ત્યારે એસયુવી સાથે તેની ટ્રક ઘસાઇ હતી, જેને પગલે એસયુવીમાં હાજર બે જણની કુમાર સાથે બોલાચાલી થઇ હતી. એસયુવીમાં હાજર બંનેની ઓળખ પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકર અને તેના બોડીગાર્ડ પ્રફુલ સાળુંખે તરીકે થઇ હતી. તેમણે કુમારનું એસયુવીમાં અપહરણ કર્યું હતું અને તેને પૂજા ખેડકરના પુણેના બંગલોમાં લઇ જવાયો હતો.

ડીસીપી ઝોન-1 (નવી મુંબઈ) પંકજ દહાનેએ કહ્યું હતું કે રવિવારે મનોરમા ખેડકરે પોલીસ ટીમને પુણેના બાણેર વિસ્તારમાં આવેલા બંગલોમાં પ્રવેશતા રોકી હતી.

મનોરમાએ પોલીસ અધિકારીઓને ખાતરી આપી હતી કે તે બંને આરોપી (અપહરણ કેસના)ને રવિવારે બપોરે ત્રણ વાગ્યે ચતુશ્રૃંગી પોલીસ સ્ટેશનમાં હાજર કરશે. મનોરમાની વાત પર ભરોસો રાખીને પોલીસ ટીમ ત્યાંથી જતી રહી હતી. પોલીસે બપોરે ત્રણ વાગ્યે મનોરમાને કૉલ કરતાં તેણે ત્યાં આવવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે તમારે જે કરવું હોય એ કરો.

દરમિયાન પોલીસ ટીમ ફરી બંગલો પર પહોંચી ત્યારે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર તેમને મળી આવી નહોતી. પુણે પોલીસ અને નવી મુંબઈ પોલીસની ટીમ સોમવારે બપોરે બંગલો પર પહોંચી હતી, પણ મનોરમા ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.
(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button