રોડ રેજની ઘટના બાદ ટ્રકના હેલ્પરનું અપહરણ:પૂજા ખેડકરના પિતાનો ડ્રાઇવર ધુળેથી ઝડપાયો...
આમચી મુંબઈ

રોડ રેજની ઘટના બાદ ટ્રકના હેલ્પરનું અપહરણ:પૂજા ખેડકરના પિતાનો ડ્રાઇવર ધુળેથી ઝડપાયો…

થાણે: નવી મુંબઈમાં રોડ રેજની ઘટના બાદ ટ્રકના હેલ્પરનું અપહરણ કરવા બદલ પોલીસે ભૂતપૂર્વ આઇએએસ ઓફિસર પૂજા ખેડકરના પિતાના ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

ડેપ્યુટી પોલીસ કમિશનર પંકજ દહાનેએ કહ્યું હતું કે નવી મુંબઈ પોલીસની ટીમે શુક્રવારે ધુળેના સિંધખેડથી આરોપી પ્રફુલ સાળુંખેને પકડી પાડ્યો હતો. આરોપીને બાદમાં કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને 23 સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.

પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકર, માતા મનોરમા અને અન્ય એક વ્યક્તિએ આ કેસમાં પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેઓ હાલ ફરાર છે.

પોલીસના જણાવ્યા અનુસાર નવી મુંબઈમાં મુલુંડ-ઐરોલી માર્ગ પર 13 સપ્ટેમ્બરે આ ઘટના બની હતી. મુલુંડ-ઐરોલી માર્ગ પર જઇ રહેલી લેન્ડ ક્રૂઝર કાર સાથે કોંક્રીટ મિક્સર ટ્રક ઘસાતાં કારમાં હાજર દિલીપ ખેડકર અને ડ્રાઇવર પ્રફુલ સાળુંખેએ કારને થયેલા નુકસાન માટે પૈસાની માગણી કરી હતી, જેને કારણે ટ્રક ડ્રાઇવર અને હેલ્પર સાથે તેમની બોલાચાલી થઇ હતી.

દરમિયાન દિલીપ ખેડકર અને તેના ડ્રાઇવરે ટ્રકના હેલ્પર પ્રહ્લાદકુમાર ચવાણને જબરજસ્તી કારમાં બેસાડ્યો હતો અને તેને પુણેમાં ખેડકરના બંગલોમાં લઇ જવાયો હતો.

ટ્રકના માલિકે આ પ્રકરણે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ આદરી હતી. પ્રહ્લાદની શોધમાં પોલીસ ટીમ પુણેના પૂજા ખેડકરના બંગલો પર પહોંચી હતી, પણ પૂજાની માતા મનોરમાએ ટીમને અંદર પ્રવેશવા દીધી નહોતી. જોકે બાદમાં પ્રહ્લાદનો ત્યાથી છુટકારો કરાવાયો હતો.

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓએ પ્રહ્લાદને વોચમેનની રૂમમાં બંધ કરી દીધો હતો અને તેને વાસી ખોરાક પીરસ્યો હતો. ઉપરાંત કારને થયેલા નુકસાન માટે પૈસા ન આપે તો ગંભીર પરિણામ ભોગવવાની તેને ધમકી અપાઇ હતી.

તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે મનોરમા ખેડકરે તેના ઘરના સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે ચેડાં કરવાનો પ્રયાસ કર્યો હતો. પુણે પોલીસે પણ મનોરમા ખેડકર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને તેને નોટિસ જારી કરી હતી. (પીટીઆઇ)

આ પણ વાંચો…પૂજા ખેડકરે જેનું સરનામું આપેલું એ કંપની સીલ

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button