સફાઈ ઝુંબેશને કારણે મુંબઈમાં પ્રદૂષણમાં ઘટાડો: પાલિકા
છેલ્લાં પાંચ વર્ષની સરખામણીમાં આ ફેબ્રુઆરીમાં સૌથી સ્વચ્છ હવા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા 15 અઠવાડિયાથી હાથ ધરવામાં આવેલી ડીપ ક્લીનિંગ' ઝુંબેશ સહિત પ્રદૂષણને રોકવા અમલમાં મૂકેલી ઉપાયયોજનાને કારણે છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં મુંબઈમાં સૌથી સ્વચ્છ હવા રહી હોવાનું એક અભ્યાસમાં જણાયું હોવાનો દાવો મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો છે. મુખ્ય પ્રધાનના આદેશ મુજબ મુંબઈમાં છેલ્લા 15 અઠવાડિયાથી જુદા જુદા વિસ્તારમાં
ડીપ ક્લીનિંગ’ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત શનિવારે ઘાટકોપર (પૂર્વ) અને કુર્લા (પશ્ચિમ)માં સ્વચ્છતા ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી હતી. આ દરમિયાન પાલિકા કમિશનરે કહ્યું હતું કે વાયુ પ્રદૂષણને રોકવા માટે પાલિકાએ વાયુ પ્રદૂષણને કારણભૂત રહેલા પ્રોજેક્ટ સહિત જુદા જુદા એકમો સામે સખત ઉપાયયોજના અમલમાં મૂકી છે. સ્વચ્છતા ઝુંબેશને વ્યાપક સ્વરૂપ આપીને રસ્તા, ફૂટપાથ, ચોક, સાર્વજનિક સ્થળ ધૂળમુક્ત કરવા પર ભાર આપવામાં આવ્યો હતો, તેને કારણે છેલ્લા પાંચ વર્ષની સરખામણીમા આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સૌથી સ્વચ્છ હવા નોંધાઈ હતી.
આ દરમિયાન પાલક પ્રધાને કહ્યું હતું કે સ્વચ્છતા ઝુંબેશને કારણે મુંબઈમાં હવાની ગુણવત્તા સુધરી છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ જ રાખવામાં આવશે. મુંબઈમાં ગયા વર્ષ દરમિયાન પૉલ્યુશન કંટ્રોલ સેન્ટર 20 હતા, તેમાં વધારો કરીને તેની સંખ્યા હવે 28 સુઝી વધારવામાં આવી છે, તેથી વધુમાં વધુ વિસ્તારો નિયંત્રણમાં આવ્યા છે.