દિવાળીમાં મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું હવાની ગુણવત્તા કથળી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં બરોબર દિવાળીના સમયે હવાની ગુણવત્તા ઘસરી ગઈ છે. સોમવારના સવારના મોટા પ્રમાણમાં વાતાવરણમાં પ્રદૂષણ જણાઈ આવ્યું હતું અને વિઝિબિલિટી પણ ઘણી ઓછી હતી. સવારના મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૧૮૭ નોંધાયો હતો, જે ૧૦ ઑક્ટોબરના ચોમાસા વિદાય પછીનો સૌથી ખરાબ રહ્યો હતો. મોડી સાંજના પણ મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૧૮૯ નોંધાયો હતો.
મુંબઈમાં હજી શિયાળાના આગમનને સમય હોઈ હાલ મુંબઈગરા ઓક્ટોબર હિટનો અનુભવ કરી રહ્યા છે પણ એ પહેલા જ મુંબઈમાં વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધી જતા હવાની ગુણવત્તા ઘસરી ગઈ છે. નિષ્ણાતોના કહેવા મુજબ દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડા ફોડવાનું પ્રમાણ વધવાની સાથે જ હાલ મુંબઈમાં મોટા પ્રાણમાં રિડેવલપમેન્ટના કામની સાથે જ અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામ ચાલી રહ્યા છે, તેને કારણે વાતાવરણમાં ધૂળ સહિત પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે.
મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા મુજબ સોમવારે મુંબઈમાં સવારના સમયમાં હવાની ગુણવત્તામાં ભારે ઘટાડો નોંધાયો હતો. મુંબઈમાં હાલ ૨૪ જગ્યાએ મૂકવામાં આવેલા એક્યુઆઈ મોનિટરિંગ સ્ટેશનમાંથી નવ જગ્યાએ એક્યુઆઈ ખરાબ અને અત્યંત ખરાબ શ્રેણીમાં નોંધાયો હતો.
મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા મુજબ સવારના સમયમાં બાન્દ્રા-કુર્લા કૉમ્પલેક્સમાં એક્યુઆઈ ૩૩૪ નોંધાયો હતો. કોલાબા-નેવી નગરમાં ૨૭૪, દેવનારમાં ૨૬૮, વિલેપાર્લેમાં ૨૬૪, અંધેરી પૂર્વમાં ૨૫૭, મઝગાવંમાં ૨૪૦, બાન્દ્રા (પૂર્વ)-ખેરવાડીમાં ૨૩૮, મલાડમાં ૨૧૪ અને વરલીમાં ૨૦૧ જેટલો ઊંચો એક્યુઆઈ નોંધાયો હતો. તો સાંજના ચાર વાગ્યાની આસપાસ મુંબઈ છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ ઍરપોર્ટ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સૌથી ઊંચો ૨૨૬ નોંધાયો હતો. બીકેસીમાં એક્યુઆઈ ૨૨૧ નોંધાયો હતો.
મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા મુજબ ૦-૫૦ના એક્યુઆઈ રીડિંગ સારું, ૫૧-૧૦૦ને સંતોષકારક, ૧૦૧-૨૦૦ને મદ્યમ, ૨૦૧-૩૦૦ને ખરાબ, ૩૦૧-૪૦૦ને ખૂબ જ ખરાબ અને ૪૦૦થી વધુને ગંભીર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.
દિવાળી દરમ્યાન ફોડવામાં આવી રહેલા ફટાકડાને કારણે અને આગામી દિવસમાં શિયાળાના આગમનની સાથે જ મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ હજી વધવા બાબતે નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ લા-નીના સ્થિતિને કારણે આગામી મહિનામાં મુંબઈનો એક્યુઆઈ વધુ ખરાબ થઈ શકે છે, જે વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં સપાટી-સમુદ્રના પાણીના ઠંડક દ્વારા વર્ગીકૃત થયેલ આબોહવા પેટર્ન છે.
લા-નીના દરમ્યાન વાતાવરણીય પરિભ્રમણમાં ફેરફારના પરિણામે પવનની ગતિમાં ઘટાડો થાય છે, તેને કારણેે પ્રદૂષણના કણોે આગળ વધવાને બદલે વાતાવરણમાં તરતા રહે છે અને પ્રદૂણષનું પ્રમાણ વધે છે. લા-નીના સામાન્ય રીતે પવનોની ગતિ ધીમી કરે છે અને તેને કારણે પ્રદૂષણ વધી શકે છે.
આ પણ વાંચો…દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી, GRAP-2 લાગુ…
નવેમ્બર મહિનામાં પવનની ગતિ ધીમી પડવાની શક્યતા હોવાથી આ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, જેમા પાછો દિવાળીમાં ફટાકડા ફોડવા જવી પ્રવૃત્તિને પણ એક્યુઆઈ ઊંચો જઈ શકે છે. આ દરમ્યાન ફટાકડા ફોડવાને કારણે હવાની ગુણવત્તા નબળી નોંધવાનું ચાલુ થઈ ગયું છે. બીકેસીમાં છેલ્લા થોડા દિવસથી એક્યુઆઈ સતત ઊંચો નોંધાઈ રહ્યો છે, તે માટે બે પરિબળને જવાબદાર માનવામાં આવે છે. એક તો બુલેટ ટ્રેન જેવો માળખાકીય પ્રોજેક્ટનું બાંધકામ ચાલી રહ્યુંં છે અને બીજું અહીં ભારે ટ્રાફિક રહેતો હોય છે તેને કારણે સતત ધૂળ ઊડતી રહે છે. આ બંને કારણથી બીકેસીમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે અને એક્યુઆઈ ઊંચો નોંધાઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે.