મુંબઈમાં પ્રદૂષણના સ્તરમાં ફરી વધારો: સુધરાઈએ ક્ધસ્ટ્રકશન સાઈટને આપ્યું અલ્ટીમેટમ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના વાતાવરણમાં ફરી પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. ગુરુવારે મુંબઈનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૫૪ નોંધાયો હતો અને આગામી દિવસોમાં પ્રદૂષણનું પ્રમાણ વધવાની શક્યતા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ ફરી એક વખત મુંબઈની ૧,૨૦૦ ક્ધસ્ટ્રકશન સાઈટ પર જયાં બાંધકામ ચાલી રહ્યા છે તેમને એક મહિનાની અંદર એર ક્વોલિટી સેન્સર બેસાડવાનું અલ્ટીમેટમ આપ્યું છે.
અત્યાર સુધી મુંબઈમાં માત્ર ૪૫ ટકા રિયલ એસ્ટટે ઓપરેટરોએ આ સેન્સર બેસાડયા છે.
મુંબઈમાં ગયા અઠવાડિયામાં આવી પડેલા કમામેસી વરસાદને મુંબઈમાં બરોબર દિવાળીના સમયે પ્રદૂષણનું સ્તર ઘટીને વાતાવરણ ચોખ્ખુ થઈ ગયું હતું. જોકે હવે વરસાદની ગેરહાજરી અને નવેમ્બર મહિનામાં ધીમા પગલે આવી રહેલી ઠંડીને પગલે વાતાવરણમાં ફરી પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી હવાની ગુણવત્તા ફરી ધસરી રહી છે અને પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે તમામ ઉપાયયોજના પર ભાર આપી રહી છે, જેમાં તેણે ફરી એક વખત તેણે ડેવલપરોને એક મહિનામાં ક્ધસ્ટ્રકશન સાઈટ પર સેન્સર બેસાડવાનો નિર્દેશ આપ્યો છે.
પાલિકાના પર્યાવરણ વિભાગના આંકડા મુજબ મુંબઈમાં આવી ૧,૨૦૦ ક્ધસ્ટ્રકશન સાઈટ છે, તેમાંથી માત્ર ૫૫૦ ( ૪૫ ટકા) ડેવલપરોએ ક્ધસ્ટ્રકશન સાઈન પર સેન્સર ઈન્સ્ટોલ કર્યા છે. તો ૨૦૦ લોકો તેને ખરીદીને બેસાડવાની પ્રક્રિયામાં છે. આ સેન્સર બેસાડવા માટેની સૂચના ૨૦૨૩માં હાઈ કોર્ટના આદેશના આધારે બહાર પાડવામાં આવી છે. કોર્ટે પાલિકાને ધૂળને નિયંત્રણમાં રાખવા માટે ક્ધસ્ટ્રકશન સાઈટ પર ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે કે તેનું ઈન્સ્પેકશન કરવાનો આદેશ આપ્યો હતો.
જૂન મહિનામાં પાલિકાએ ખાનગી બિલ્ડરોને તેમની ક્નસ્ટ્રકશન સાઈટ પર આ સેન્સર બેસાડવાનો નિર્દેશ આપ્યો હતો, જે ધૂળની સ્થિતિનો વાસ્તવિક સમયનો ડેટા ઉપલબ્ધ કરશે. પાલિકા ક્ન્સ્ટ્રકશન સાઈટ પરની ધૂળને કારણે મુંબઈના પ્રદૂષણમાં વધારો થવા માટેનું એક પરિબળ માને છે. આ દરમ્યાન પાલિકાએ ૩૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે તે નવેમ્બરમાં સમાપ્ત થશે. આ સમયગાળા દરમ્યાન મોનિટરિંગ મશીન બેસાડવામાં નિષ્ફળ જનારા ડેવલપરોને દંડ કરવામાં આવશે.
મુંબઈમાં હવાની ગુણવત્તાને કથળી
ઠંડીના આગમન સાથે જ મુંબઈમાં ફરી એક વખત હવાની ગુણવત્તાને અસર થઈ રહી છે. ગુરુવારે સાંજે મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૧૫૬ નોંધાયો હતો. તો દેવનારમાં એક્યુઆઈ ૧૫૪, જુહુમાં ૧૫૯, કાંદિવલીમાં ૧૫૧, કુર્લામાં ૧૬૦, મલાડમાં ૧૫૬, મઝગાંવમાં ૧૫૮, મુલુંડમાં ૧૩૯, શિવાજી નગરમાં ૧૫૪, સાયનમાં ૧૫૪, વડાલામાં ૧૬૩, વરલીમાં ૧૫૭, વિલેપાર્લેમાં ૧૫૮ એક્યુઆઈ નોંધાયો હતો.
ઠંડીનો ચમકારો
મુંબઈ સહિત રાજ્યમાં શિયાળાનું આગમન થયું હોવાનો અનુભવ થઈ રહ્યો છે. મુંબઈમાં વહેલી સવારના ઠંડક જણાઈ રહી છે. મહત્તમની સાથે જ લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ગુરુવારે મુંબઈના કોલાબામાં મહત્તમ તાપમાન ૩૦.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૩.૨ ડિગ્રી નોંધાયું હતું. તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૦.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૧.૫ ડિગ્રી નોંધાયું હતું. તો મહારાષ્ટ્રમાં સૌથી નીચું તાપમાન હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં ૧૩.૫ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ડિપ્રેશનની અસર ઘટી ગઈ છે અને ધીમે ધીમે મુંબઈ સહિત રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાનમાં હજી ઘટાડો નોંધાશે.
આ પણ વાંચો…દિવાળીમાં મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું હવાની ગુણવત્તા કથળી



