આમચી મુંબઈ

મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ જોખમી સ્તરે વર્ચ્યુઅલ ચીમની, વાયુ સ્ટ્રીટલાઇટ જેવી છ ટેક્નોલોજી નો સહારો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વધતા ઍર પૉલ્યુશનને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા છ ટૅક્નોલોજીને અમલમાં મૂકવાની છે, તેમાં બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની બસોમાં વેહિકલ માઉન્ટેડ ઍર ફિલ્ટર બેસાડવાની છે. ૧૦ જગ્યાએ વર્ચ્યુલ ચીમની બેસાડવાની સાથે બગીચાઓમાં ઍર પ્યુરીફિકેશન સિસ્ટમ વગેરેને પ્રાયોગિક ધોરણે બેસાડવાની છે.

મુંબઈમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ મુંબઈનો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ જોખમી સ્તરે દિલ્હીને પણ પાછળ મૂકી ગયો હતો. સતત વધી રહેલા પ્રદૂષણ માટે મુંબઈમાં મોટા પાયા પર ચાલી રહેલા વિકાસ કામ, રિડવેલપમેન્ટ જેવા બાંધકામને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે ક્ધસ્ટ્રકશન સાઈટ માટે લગભગ ૨૮ જેટલા નિયમો અને શરતો સાથેની ગાઈડલાઈનને પાલિકાએ બહાર પાડીને તેને અમલમાં મૂકી છે. એ સાથે જ હવે પાલિકાએ શહેરમાં પ્રદૂષણને ઘટાડવા માટે વાહનોમાં બેસાડવા માટે ઍર ફિલ્ટરથી લઈને છ ટૅક્નોલોજીને અમલમાં મૂકવાની યોજના બનાવી હોવાનું મહારાષ્ટ્રના પ્રધાન અને પાલક પ્રધાન દીપક કેસકરે જણાવ્યું હતું.

આઈઆઈટીએ મુંબઈમાં પ્રાથમિક ધોરણે મુંબઈમાં ઉપયોગમાં લેવાતી વિવિધ ટૅક્નોલોજી કંપનીઓ અને તેમની ટૅક્નોલોજીની
ઓળખ કરી છે અને તેમાંથી જે પ્રદૂષણ ઘટાડવા માટે અસરકાર સાહિત થશે તેને પ્રાથમિકતા આપવામાં આવશે.

પાલિકાએ મુંબઈમાં ૧૦ ભીડભાડવાળી અને જ્યાં ટ્રાફિક વધુ હોય છે તેવીગ્યાએ ‘વર્ચ્યુલ ચીમની’ બેસાડવાની યોજના છે, ત્યાં આ ચીમની ફિલ્ટરેશનનું કામ કરશે. ૫૦ જગ્યાએ હવાના શુદ્ધીકરણ માટે ‘વાયુ’ નામની સ્ટ્રીટલાઈટ લગાડવામાં આવવાની છે. મુંબઈના બગીચાઓમાં ઍર પ્યુરીફિકેશન સિસ્ટમ બેસાડાશે, જેમાં દાદરનું શિવાજી પાર્ક, ભાયખલાનું રાણીબાગ, મરીન લાઈન્સનું એસ. કે. પાટીલ ગાર્ડન અને વડાલાના ભક્તિ પાર્કનો સમાવેશ થાય છે.

એક્યુઆઈ પર નજર રાખવા કંટ્રોલ રૂમ

મુંબઈમાં બુધવારે હવાની ગુણવત્તા નબળી રહી હતી. દિવસ દરમિયાન ઍર ક્વોલિટીનો ઈન્ડેક્સ ૧૫૨ નોંધાયો હતો. હવાની ગુણવત્તા સતત નબળી નોંધાઈ રહી છે ત્યારે જે રીતે લખનૌ મ્યુનિસિપલ કૉર્પોરેશને ઍર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) પર દેખરેખ રાખવા માટે કંટ્રોલરૂમ બનાવવાનો નિર્ણય લીધો છે, તે મુજબ મુંબઈ મહાનગપાલિકા પણ એક્યુઆઈ પર નજર રાખવા માટે ખાસ કંટ્રોલરૂમ ઊભો કરવા બાબતે બહુ જલદી નિર્ણય લેવાની છે.

ફડાટકડા ન ફોડવા માટે મુંબઈગરાઓને અપીલ

દીવાળીનો તહેવાર નજીક છે ત્યારે મુંબઈમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને મુંબઈના પાલક પ્રધાને મુંબઈગરાને ઓછી માત્રામાં ફટાકડા ફોડવાની અપીલ કરી છે. પાલક પ્રધાને કહ્યું હતું કે દિલ્હીમાં ફટાકડા ફોડવા પર ૧૦૦ ટકા પ્રતિબંધ છે. પરંતુ મુંબઈમાં પ્રતિબંધ મૂકવાની કોઈ યોજના નથી. ફક્ત નાગરિકોએ જાતે જ વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને અને પોતાના આરોગ્યને ધ્યાનમાં રાખીને ઓછા ફટાકડા ફોડવા જોઈએ.

બેસ્ટની બસો પર ‘વેહિકલ માઉન્ટેડ ફિલ્ટર’ બેસાડાશે
મુંબઈ: મુંબઈમાં પ્રદૂષણમાં સતત થઈ રહેલા વધારાને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ અનેક ઉપાયયોજના અમલમાં મૂકી છે, જે હેઠળ હવે મુંબઈની બીજી લાઈફલાઈન ગણાતી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની બસોમાં ‘વેહીકલ માઉન્ટેડ ફિલ્ટર’ બેસાડવાનો નિર્ણય લીધો છે. બેસ્ટની ૩૫૦ જેટલી બસોમાં ધૂળ અને અન્ય કણોમાંથી અશુદ્ધીઓ દૂર કરવા માટે ‘વેહીકલ માઉન્ટેડ ફિલ્ટર’ બેસાડવામાં આવવાના છે. શરૂઆતમાં ડીટેચેબલ (અલગ કરી શકાય)
વેહિકલ માઉન્ટેડ ઍર ફિલ્ટર ૧૫૦ બસમાં બેસાડવામાં આવવાના છે અને ત્યારબાદ બેસ્ટ ઉપક્રમની વધુ ૨૦૦ બસમાં તે બેસાડવામાં આવશે.

બેસ્ટની બસ મારફત પ્રદૂષણમાં વધારો થાય નહીં તે માટે આગામી વર્ષોમાં તમામ બસ ઈલેક્ટ્રિક કરવામાં આવવાની છે ત્યારે હવે ભવિષ્યમાં જે પણ નવી બેસ્ટનો સમાવેશ બેસ્ટના કાફલામાં કરવામાં આવશે તેમાં ઈનબિલ્ડ એટલે કે પહેલાથી જ વેહિકલ માઉન્ટેડ ફિલ્ટર ફીટ કરેલા રહેશે, જેથી બસ પર ઍર ફિલ્ટરેશનના ઉપકરણ બેસાડવામાં સમય બરબાદ થાય નહીં.

નોંધનીય છે કે પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે કોલકાતામાં પબ્લિક ટ્રાન્સ્પોર્ટની બસો પર ઍર પ્યુરિફાયર સિસ્ટમ બેસાડવામાં આવી છે. તેમ જ બસની અંદર ફરતી હવાને સાફ કરવા માટે ઍરકંડિશન્ડ બસની અંદર હવા શુદ્ધીકરણ સિસ્ટમ પણ ફીટ કરવામાં આવી છે.

કૉન્ટ્રેક્ટર પર રહેલા કર્મચારીને બેસ્ટમાં મફત પ્રવાસ
બેસ્ટ ઉપક્રમમાં ભાડા પર કામ કરતા કર્મચારીઓએ ઑગસ્ટ, ૨૦૨૩માં કામ બંધ આંદોલન કર્યું હતું. આ કામ બંધ આંદોલનમાં કર્મચારીઓએ બેસ્ટમાં પ્રવાસ કરવા માટે મફત બસપાસ આપવાની પણ એક માંગણી કરી હતી. બેસ્ટ ઉપક્રમે પહેલી નવેમ્બર, ૨૦૨૩થી બેસ્ટ ઉપક્રમમાં ભાડા પર લીધેલી બસનો પુરવઠો કરનારા કૉન્ટ્રેક્ટરની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને બેસ્ટ ઉપક્રમની બસમાં મફત પ્રવાસ કરવાની સુુવિધા આપવાનો નિર્ણય લીધો છે, જેમાં ઍરકંડિશન્ડ તથા નોન એસી બસ આ બંને બસમાં આ સુવિધા લાગુ પડશે. આ બસપાસનું માસિક મૂલ્ય ૩૭૫ રૂપિયા હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button