સિંધુદુર્ગમાં પ્રતિમા તૂટવા મુદ્દે રાજકારણ ગરમાયુંઃ નવી પ્રતિમા બનાવવાની તૈયારી વચ્ચે રાજકીય વિરોધ વકર્યો…

મુંબઈ: સિંધુદુર્ગના રાજકોટ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાના પ્રકરણના કારણે શરૂ થયેલો રાજકીય ગજગ્રાહ શમવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે શિવાજી મહારાજની નવી અને વધુ ભવ્ય પ્રતિમા બનાવવા માટે સમિતિ નિમવામાં આવી છે. આ ઉપરાંત પ્રતિમા તૂટી પડવા પાછળ શું કારણ હતું તેની તપાસ માટે આઇઆઇટી નિષ્ણાંતો, એન્જિનિયર અને નેવીના અધિકારીઓની ટેક્નિકલ કમિટી પણ તૈયાર કરવામાં આવી છે.
મુખ્ય પ્રધાન કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ છત્રપતિ શિવાજી મહારાજની નવી ભવ્ય પ્રતિમા બનાવવા માટે સમિતિ તૈયાર કરવામાં આવી છે. આ નિર્ણય મુખ્ય પ્રધાન એકનાથ નિશંદેએ વરિષ્ઠ પ્રધાનો, અધિકારીઓ અને નેવી અધિકરીઓ સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ બંગલો ખાતે યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.
આ પ્રકરણે પ્રતિમા બનાવનારા કોન્ટ્રેક્ટર વિરુદ્ધ એફઆઇઆર જાહેર બાંધકામ ખાતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે એફઆઇઆર નોંધવામાં આવી હતી. બીજી બાજુ મહાવિકાસ આઘાડી એટલે કે વિરોધ પક્ષો દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન અને રેલીઓ કાઢવામાં આવી રહી છે, પરંત સાથે સાથે સત્તાધારી પક્ષના અમુક ઘટકો પણ આ ઘટના સામે નારાજગી પ્રગટ કરતા વિરોધ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા મુદ્દે આખરે અજિત પવારે માફી માગી
રાજ્ય સરકાર સાથે મળીને પ્રતિમાનું નિર્માણ: નેવી
ભારતીય નૌકાદળે (ઇન્ડિયન નેવી) દ્વારા આ મામલે સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૈયાર કરવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્ર સરકારની સાથે મળીને શરૂ કરવામાં આવ્યો હતો અને આ માટે ભંડોળ પણ રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રતિમાના પુન:નિર્માણ, સમારકામ વગેરે કામકાજ માટે નેવી સંપૂર્ણ સહકાર આપવા નેવી સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
અજિત પવારની એનસીપીએ મૂક વિરોધ દર્શાવ્યો
સત્તાધારી પક્ષના ભાગ એવા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા પણ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી તે ઘટના પ્રત્યે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિરોધ વ્યક્ત કરવા માટે ગુરુવારે અજિત પવાર જૂથ દ્વારા આખા રાજ્યમાં મૂક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને તેમણે આ ઘટનાને દુ:ખદ ગણાવતા આ માટે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી.
અજિત પવાર જૂથના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ સુનિલ તટકરેએ વિરોધ પ્રદર્શન અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં બધાને જ વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર છે. એ જ સ્થળે છત્રપતિ શિવાજી મહારાજની વધુ ભવ્ય અને મજબૂત પ્રતિમા ઊભી કરવામાં આવે એવી અમારી માગણી છે. હલકા દરજ્જાનું કામ કરનારા પ્રતિમાનું નિર્માણ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરતું આવેદન પત્ર પણ કલેક્ટર અને તહેસીલદારને મોકલવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : છત્રપતિ શિવાજી મહારાજના પુતળા પરનું રાજકારણ શમતું નથી, હવે મુખ્ય પ્રધાનના પુત્ર પર થયા આક્ષેપો…
પ્રતિમા સાથે કંઇ લેવા દેવા નથીઃ આરોપી ચેતન પાટીલ
આ બાબતે નોંધાયેલી એફઆઇઆરમાં સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલ અને શિલ્પકાર જયદીપ આપ્ટે વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને બંને ત્યારથી જ ગાયબ હોવાનું કહેવાય છે. જોકે, આ મામલે પોતાની બાજુ સ્પષ્ટ કરતા ચેતન પાટીલે એક ન્યુઝ ચેનલનો સંપર્ક કર્યો હતો અને શિવાજી મહારાજની પ્રતિમાના પ્રોજેક્ટ સાથે પોતાનો કોઇ સંબંધ ન હોવાનું જણાવ્યું હતું. પાટીલે બચાવ કરતા જણાવ્યું હતું કે મારો આ કામથી કોઇ સંબંધ નથી. મારી પાસે કોઇ વર્ક ઓર્ડર કે પત્ર પણ નથી. મેં ફક્ત નેવીને પ્રતિમા માટે ઊભો કરવામાં આવનારા ચબુતરાની ડિઝાઇન તૈયાર કરી આપી હતી. આ પ્રતિમાનું કામ થાણેની એક કંપનીને આપવામાં આવ્યું હતું.
જયદીપ આપ્ટે આરએસએસનો માણસ: કૉંગ્રેસ
આ પ્રકરણના બીજા આરોપી શિલ્પકાર જયદીપ આપ્ટે આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)નો માણસ હોવાનો આરોપ કૉંગ્રેસે મૂક્યો છે. નાગપુરમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કૉંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ નાના પટોળેએ કહ્યું હતું કે જયદીપ આપ્ટે આરએસએસનો માણસ છે. તેને મૂર્તિ બનાવવાનો કોઇપણ અનુભવ નહોતો તો પછી તેને શિવાજી મહારાજની પ્રતિમા બનાવવાનું કામ શા માટે સોંપવામાં આવ્યું? શિવાજી મહારાજની પ્રતિમાની આંખોમાં રૂ(કપાસ) અને કાગળ મૂકવામાં આવ્યા હતા. મહારાજનું અપમાન કરવાની હિંમત કેવી રીતે ઇ? મહારાજની પ્રતિમા ઊભી કરાય છે અને ફક્ત આઠ મહિનામાં તે તૂટી પડે છે. આ માટે શિલ્પકાર કે આર્કિટેક્ટ નહીં, રાજ્ય સરકાર જવાબદાર છે.