છત્રપતિ શિવાજી મહારાજના પુતળા પરનું રાજકારણ શમતું નથી, હવે મુખ્ય પ્રધાનના પુત્ર પર થયા આક્ષેપો…

મુંબઈઃ સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તેના ઉદ્ઘાટનના આઠ મહિનામાં જ તૂટી પડી છે. આ ઘટના બાદ રાજકારણીઓના નિવેદનો આવી રહ્યા છે અને વિપક્ષે મહાયુતી સરકારને બાનમાં લીધી છે. હવે મુખ્ય પ્રધાનનો સાંસદ પુત્ર વિપક્ષોના નિશાના પર આવ્યો છે.
આ પણ વાંચો : હવાને કારણે પડી શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા: એકનાથ શિંદે
ઠાકરે જૂથના નેતા, સાંસદ સંજય રાઉતે આ મામલે બોલતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના પુત્ર શ્રીકાંત શિંદે પર ગંભીર આરોપો લગાવ્યા હતા. રાઉતે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનું થાણે કનેક્શન છે. કોન્ટ્રાક્ટર ક્યાંય દેખાતા નથી. શિંદેના પુત્રને પૂછો કે કોન્ટ્રાક્ટર આપ્ટે ક્યાં છે.
સંજય રાઉતે સાંસદ નારાયણ રાણેની પણ ટીકા કરી છે.
તેમણે જણાવ્યું હતું કે આ પ્રતિમા PWD દ્વારા બનાવવામાં આવી હતી. તમારી સરકાર જવાબદાર છે. રાઉતે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરતા કહ્યું છે અમારું મોઢું ખોલાવશો નહીં. અફઝલ ખાન, ઔરંગઝેબ મહારાજાને હરાવી શક્યા નહીં પણ ભાજપ અને ફડણવીસના વિકૃત વલણથી મહારાજનો પરાજય થયો છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં 35 ફૂટ શિવાજીની પ્રતિમા તૂટી પડી, વિપક્ષના શિંદે સરકાર પર પ્રહાર
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના કામમાં કરોડોની લેવડદેવડ થઈ હતી. મહારાજના નામે આ સરકાર ભ્રષ્ટાચાર કરે છે અને પૈસા ખાય છે. આ જ પૈસાથી ચૂંટણી લડવામાં આવશે.માલવણમાં આજે પદયાત્રા નીકળી રહી છે. આદિત્ય ઠાકરે આ માર્ચમાં હાજરી આપશે. કોંગ્રેસ અને એનસીપીના લોકો હશે. પરંતુ આ આંદોલન ખતમ નહીં થાય.
આ સાથે આ સ્મારક બનાવનાર કોન્ટ્રાક્ટર આપ્ટે સંપર્કમાં ન હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. બીજી બાજુ કેબિનેટ પ્રધાન દિપક કેસરકરે કરેલા આપત્તિજનક વિધાન બદલ પણ રાઉતે રોષ વ્યક્ત કર્યો હતો.