તપાસ માટે પાટા નજીક ઊભેલો પોલીસટ્રેનનો કર્કશ હૉર્ન વાગતાં નાળામાં પડ્યો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરીવલીમાં રેલવે ટ્રેક નજીક તપાસ માટે ઊભેલો પોલીસ અધિકારી ટ્રેનનો કર્કશ હૉર્ન વાગવાને કારણે નાળામાં પડી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. લગભગ વીસેક ફૂટ ઊંડા નાળામાં પડવાને કારણે માથામાં ગંભીર ઇજા સાથે અધિકારી બેભાન થઈ ગયો હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર સોમવારની સાંજે 4.30 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં એમએચબી કોલોની પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો સબ-ઈન્સ્પેક્ટર મૂકેશ ખરાત ગંભીર રીતે ઘવાયો હતો. ખરાતને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ખરાતની હાલત નાજુક હોવાથી વધુ સારવાર માટે તેને ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ બોરીવલી પશ્ર્ચિમમાં રેલવે ટ્રેક નજીકના નાળામાં એક વ્યક્તિનો મૃતદેહ નજરે પડ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને પગલે ખરાત ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રેલવે પાટા નજીકના પરિસરમાં ઊભા રહીને ખરાત ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી રહ્યો હતો.
કહેવાય છે કે તે જ સમયે એક ટ્રેન પસાર થઈ હતી, જેના કર્કશ અવાજને કારણે સંતુલન ગુમાંવવાથી ખરાત નાળામાં પડી ગયો હતો. લગભગ 20 ફૂટ ઊંડા નાળામાં પથ્થરો પર ખરાતનું માથું પટકાયું હતું, જેને કારણે તે બેભાન થઈ ગયો હતો.
સારવાર બાદ પણ ખરાત બેભાન છે અને તેનું સ્વાસ્થ્ય ઘણું કથળ્યું હોવાનું એક પોલીસ અધિકારીનું કહેવું છે.