વાનખેડેના કેસમાં એનસીપીના નેતા નવાબ મલિકને રાહતઃ પોલીસ ભરશે આ પગલું

મુંબઈ: એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના વરિષ્ઠ નેતા નવાબ મલિક વિરુદ્ધ એનસીબી (Narcotics Control Bureau)ના પૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના એટ્રોસિટી એક્ટ કેસની તપાસ કરી છે અને પુરાવાના અભાવે ક્લોઝર રિપોર્ટ દાખલ કરવાનો નિર્ણય કર્યો હોવાની જાણ મુંબઈ પોલીસે બોમ્બે હાઈ કોર્ટને કરી છે.
એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર (વધારાના સરકારી વકીલ) એસ એસ કૌશિકે 14 જાન્યુઆરીએ જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને નીલા ગોખલેની ખંડપીઠને માહિતી આપી હતી કે 2022ના કેસની તપાસ કર્યા પછી પોલીસે ‘સી સમરી રિપોર્ટ’ દાખલ કરવાનો નિર્ણય લીધો છે.
તપાસ કર્યા પછી કોઈ પુરાવા નથી અને કેસ ન તો સાચો છે કે ન તો ખોટો એવા નિષ્કર્ષ પર પોલીસ આવી હોય ત્યારે ‘સી-સમરી રિપોર્ટ’ દાખલ કરવામાં આવે છે. એક વખત આ પ્રકારનો અહેવાલ સંબંધિત ટ્રાયલ કોર્ટ સમક્ષ દાખલ થઈ જાય પછી આ કેસમાં ફરિયાદી તેને પડકારી શકે છે અને તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ ક્લોઝર રિપોર્ટને સ્વીકારવાનો કે નકારવાનો નિર્ણય અદાલત લેતી હોય છે.
Also read: શિવસેના, એનસીપી અને ભાજપના કેટલા પ્રધાનો લેશે શપથ?
ગયા વર્ષે વાનખેડેએ વકીલ રાજીવ ચવ્હાણ મારફત હાઈ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. અરજીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) કાયદાની જોગવાઈઓ હેઠળ ભૂતપૂર્વ પ્રધાન મલિક વિરુદ્ધ તેમણે કરેલી ફરિયાદ અંગે પોલીસની ‘નિષ્ક્રિયતા’નો દાવો કરવામાં આવ્યો હતો.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (ડીજીટીએસ)માં એડિશનલ કમિશનર અને મહાર અનુસૂચિત જાતિના સભ્ય વાનખેડેએ આ કેસ સી.બી.આઈ.ને સોંપવાની માંગણી કરી હતી. આ કેસમાં એનસીપીના નેતાની ધરપકડ નથી કરવામાં આવી અને આજદિન સુધી આરોપનામું પણ નથી દાખલ કરવામાં આવ્યું.
(PTI)