રાજકોટના રસરંગ લોકમેળામાં પોલીસનો સ્ટોલ વિશેષ આકર્ષણઃ પ્રદર્શન દ્વારા લોકજાગૃતિનો હેતુ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ રાજકોટના રસરંગ લોકમેળામાં રાજકોટ પોલીસ તંત્રે તેમના સ્ટોલ પરના પ્રદર્શનના માધ્યમથી લોકોમાં પોલીસની કામગીરી પ્રત્યે જાગૃતતા આવે અને ટ્રાફિકના નિયમો વિશે સમજણ મળે તથા વિવિધ હથિયારો રજૂ કરી તેની પણ લોકોને જાણકારી મળે તેવો પ્રયાસ કરાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ રસરંગ મેળામાં પોલીસ તંત્ર દ્વારા એક સ્ટોલ લગાવવામાં આવ્યો છે. જેની અંદર સાયબર ક્રાઈમ અને બોમ્બ ડિસ્પોઝલના વિવિધ ઈક્વિપમેન્ટ્સ, શી ટીમની કામગીરી અને શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ સાથે જ ટ્રાફિક અંગે જાગૃતિ માટે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ પોલીસ પાસે જે આધુનિક હથિયારો છે તે પણ અહીં રજૂ કરવામાં આવ્યાં છે અને જે પહેલાની સદીમાં જે હથિયારો વપરાશમાં આવતા હતા એ પણ અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. અહીંયા એક સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવ્યો છે જ્યાં લોકો સેલ્ફી લઈ શકે છે. રાજકોટની નિર્મલા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિકના મોડલ પણ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ટ્રાફિક નિયમોના વિવિધ પાસાઓ રજૂ કરવામાં આવ્યા છે.