પોલીસની વિશેષ ઝુંબેશ: રૅશ ડ્રાઈવિંગના 85 ગુના નોંધી 153 વાહનો જપ્ત
શરાબના નશામાં વાહન ચલાવનારા 20 ડ્રાઈવર પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા માટે મુંબઈ પોલીસે શનિવારની રાતે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં રૅશ ડ્રાઈવિંગના 85 ગુના નોંધી 153 વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. શહેરમાં 108 સ્થળે નાકાબંધી કરી શરાબના નશામાં વાહન ચલાવનારાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
જૉઈન્ટ પોલીસ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર) સત્યનારાયણ ચૌધરીની દેખરેખ હેઠળ શનિવારની રાતથી રવિવારના મળસકે સુધી આ ઝુંબેશ હાથ ધરાઈ હતી. શહેરનાં દરેક પોલીસ સ્ટેશનની હદમાં આવેલાં 108 સ્થળે નાકાબંધી કરી 6,682 જેટલાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની તપાસ કરવામાં આવી હતી.
વેસ્ટર્ન રિજન ઝોનમાં બાન્દ્રા રેક્લેમેશન, કાર્ટર રોડ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ખેરવાડી જંક્શન, બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ રોડ અને જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડ પરિસરમાં નાકાબંધી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન 1,869 બાઈકસવારો સામે હેલ્મેટ પહેર્યા વિના બાઈક ચલાવવા બદલ કાર્યવાહી કરાઈ હતી. એ સિવાય બાઈક-સ્કૂટર પર ટ્રિપલ સીટવાળા 255 જણ અને રૉન્ગ સાઈડ વાહન ચલાવનારા 138 જણ સામે મોટર વેહિકલ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
બેફામ રીતે વાહન ચલાવવા બદલ વાહનચાલકો સામે ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો હેઠળ 85 ગુના નોંધવામાં આવ્યા હતા, જેમાંથી 153 વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. ડ્રન્ક ઍન્ડ ડ્રાઈવના કેસોમાં 20 વાહનચાલકો સામે મોટર વેહિકલ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ હતી. આ રીતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી વાહન ચલાવનારાઓ સામે હવે કડક કાર્યવાહીની ચેતવણી પણ પોલીસે આપી હતી.