દેવદૂત બનીને આવી ટ્રાફિક પોલીસ, આત્મહત્યા કરતી મહિલાને બચાવી જુઓ વીડિયો
આત્મહત્યા એ કોઇ સમસ્યાનો ઉકેલ નથી છતાંય ઘણી વાર નિષ્ફળતાથી કે જીવનની પરેશાનીઓથી ત્રાસીને લોકો આત્મહત્યાનો સહારો લેતા હોય છે. જોકે, આત્મહત્યા કરીને તેઓ તો છૂટી જાય છે, પણ પરિવારને માથે કાયમની કાળી ટીલી લાગી જાય છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાંથી આવો જ એક આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં અટલ સેતુ સી લિંક પર એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પણ દેવદૂત બનીને આવેલી પોલીસે તેને બચાવી લીધી હતી.
મળતી માહિતી મુજબ, મહિલા જેવી જ પાણીમાં કૂદી રહી હતી ત્યારે નજીકમાં હાજર કેબ ડ્રાઈવરે તેને પકડી લેવાની કોશિશ કરી હતી. જોકે, તેના હાથમાં મહિલાના વાળ આવી ગયા હતા. એટલી વારમાં આ દરમિયાન ટ્રાફિક પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને મહિલાને બચાવી લીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે તે જુઓ.
માહિતી અનુસાર, મુલુંડની રહેવાસી 56 વર્ષની મહિલાએ શુક્રવારે મહારાષ્ટ્રના અટલ સેતુ પરથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા જ કેબ ડ્રાઈવરે મહિલાને નીચે પડતા બચાવવાનો પ્રયાસ કર્યો હતો,જેમાં તેના હાથમાં મહિલાના વાળ આવી ગયા હતા. તેણે મહિલાના વાળ પકડી રાખ્યા હતા, જેથી કોઈક રીતે તેનો જીવ બચી શકે. દરમિયાનમાં મુંબઈની ન્હાવા શેવા ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચી હતી અને ભારે જહેમતે મહિલાને પુલ પરથી બહાર કાઢી હતી.
આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાની ઓળખ મુલુંડની રહેવાસી 56 વર્ષીય રીમા મુકેશ પટેલ તરીકે થઈ છે. જો કે મહિલાએ શા માટે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. પોલીસે મહિલાના પરિવારજનોને જાણ કરી છે અને મહિલાએ આવું કેમ કર્યું તે અંગે તેઓ તપાસ કરી રહ્યા છે.