સપના ગિલની છેડતી માટે પૃથ્વી શો વિરુદ્ધ પોલીસ તપાસનો આદેશ
મુંબઈ: ૨૦૨૩માં ક્રિકેટર પૃથ્વી શો દ્વારા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સપના ગિલની છેડતીના કેસમાં કોર્ટે પોલીસને તપાસનો આદેશ આપ્યો છે. ન્યાયાધિશ એસ. સી. ટાયડેએ પોલીસને આ કેસમાં તપાસ કરીને જૂન ૧૯ સુધીમાં રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું હતું. ગિલે પોલીસ દ્વારા પૃથ્વી વિરુદ્ધ એફઆઈઆર નહીં કરવાની ફરિયાદ કરતી અરજીને પણ કોર્ટે ફગાવી દીધી છે. જો કે શોએ તેની વિરુદ્ધના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
ગિલે શો વિરુદ્ધ અંધેરીમાં સરાજાહેર છેડતી કરવાનો આક્ષેપ કર્યો હતો. સાથે શોના મિત્ર આશિષ યાદવ વિરુદ્ધ પણ છેડતી અને તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોચાડવાની ફરિયાદ કરી હતી. બાદમાં પોલીસે કેસ નહીં નોંધવાની ફરિયાદ લઈને કોર્ટ સમક્ષ હાજર થઈ હતી. જો કે પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે ગિલે જે આક્ષેપો કર્યા છે કે તેની અંધેરીમાં છેડતી થઈ છે, તેવા તમામ આક્ષેપ ખોટા છે અને કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે સીસીટીવીની તપાસ કરતા જાણવા મળ્યું છે કે ગિલ અને તેનો મિત્ર શોબિત ઠાકુર નશાની હાલતમાં ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા.
બાદમાં ઠાકુર પૃથ્વી શોનો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરવા લાગે છે પણ ક્રિકેટર તેને એમ કરતા રોકી દે છે. પોલીસ મુજબ ફૂટેજમાં શો અને અન્યમાંથી કોઈ પણ ગિલની છેડતી કરતા દેખાતા નથી. પોલીસે જણાવ્યું કે અમે સાક્ષીઓના નિવેદનો પણ લીધા છે, જેમણે ગિલની છેડતી થઈ હોવાનું નકારી કાઢ્યું છે. પોલીસે વધુમાં જણાવ્યું કે તેમણે પોલીસ ટ્રાફિક ક્ધટ્રોલ સીસીટીવી પણ તપાસ્યા છે, જેમાં સાફ જોઈ શકાય છે કે ગિલ હાથમાં બેસબોલ બેટ લઈને શોની કારનો પીછો કરી રહી છે, અને જાણવા મળ્યું છે કે તેણે ક્રિકેટરની કારના કાચ પણ તોડ્યા હતા.