નવી મુંબઈમાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર 3.50 લાખ રૂપિયાની લાંચ લેતાં પકડાયો…
મુંબઈ: ઇમારત તૂટી પડવા પ્રકરણે ધરપકડ કરાયેલા પિતાને જામીન મેળવી આપવા માટે 14 લાખ લીધા બાદ છેતરપિંડીના બીજા ગુનામાં તેની ધરપકડ ન કરવા માટે પુત્ર પાસે ફરી લાંચ માગનારો નવી મુંબઈના એનઆરઆઇ સાગરી પોલીસ સ્ટેશનનો સિનિયર ઇન્સ્પેક્ટર એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)ના છટકામાં સપડાઇ ગયો હતો.
નવી મુંબઈમાં ઇમારત તૂટી પડ્યા બાદ ફરિયાદીના પિતા વિરુદ્ધ એનઆરઆઇ સાગરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદીના પિતા હાલ અદાલતી કસ્ટડી હેઠળ તળોજા જેલમાં છે. એ ગુનામાં ફરિયાદીને મદદ કરવા માટે અને તેના પિતાને જામીન મેળવી આપવા સિનિયર ઇન્સ્પેક્ટર સતીશ સંભાજી કદમે પ્રથમ 12 લાખ રૂપિયા અને બાદમાં બે લાખ રૂપિયાની માગણી કરીને તે સ્વીકાર્યા હતા.
ફરિયાદીના પિતા સામે ફરી એ જ પોલીસ સ્ટેશનમાં બીજી ઑક્ટોબરે છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો હતો. આ ગુનામાં તેને તાબામાં ન લેવા, ધરપકડ ન કરવા તેમ જ ગુનામાં મદદ કરવા માટે ફરિયાદી પાસે પાંચ લાખ રૂપિયાની લાંચ માગી હતી. ફરિયાદીને લાંચ આપવી ન હોવાથી તેણે મંગળવારે એસીબીના મુંબઈ યુનિટનો સંપર્ક સાધી લેખિત ફરિયાદ કરી હતી.આ ફરિયાદને પગલે એસીબીના અધિકારીઓએ તપાસ કરી હતી.
દરમિયાન ફરિયાદી પાસે લાંચ માગનારો સતીશ કદમ તડજોડને અંતે ચાર લાખ લેવા તૈયાર થયો હતો. આથી એસીબીના અધિકારીઓએ મંગળવારે રાતે પોલીસ ક્વૉર્ટર્સ નજીક છટકું ગોઠવ્યું હતું અને સતીશ કદમને 3.50 લાખની લાંચ સ્વીકારતાં રંગેહાથ પકડી પાડ્યો હતો. સતીશ કદમ સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.