કોન્સ્ટેબલના મૃત્યુ પછી પોલીસ ઍક્શન મોડમાં: નાયલોન માંજો વેચનારાઓ સામે કાર્યવાહી
મુંબઈ: બાઈક પર ઘરે જઈ રહેલા પોલીસ કોન્સ્ટેબલનું નાયલોન માંજાથી ગળું ચીરાવાને કારણે મૃત્યુ થયા પછી પોલીસ ઍક્શન મોડમાં આવી ગઈ છે. આવા પ્રતિબંધિત માંજાનું વેચાણ અને તેનો ઉપયોગ કરનારાઓ પર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે હાથ ધરેલા ઑપરેશન દરમિયાન બે ભાઈઓ મનોજ અને મહેશ કેતકર પ્રતિબંધિત નાયલોન માંજાથી પતંગ ઉડાવી રહ્યા હોવાની માહિતી ખેરવાડી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે બાન્દ્રા પૂર્વમાં ફૂટઓવર બ્રિજ નજીકથી બન્નેને પકડી પાડ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ નાયલોનના માંજાથી કોન્સ્ટેબલ સુમિત જાધવે (37) જીવ ગુમાવ્યા પછી આવા માંજા વેચનારા અને તેનો ઉપયોગ કરનારાઓ સામે સખત પગલાં લેવાનો આદેશ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો હતો. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બન્ને ભાઈને અહમદ હુસેન જાહિદ કાઝી (66)એ માંજો વેચ્યો હતો. પોલીસે કાઝીની દુકાન પર કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી.
દરમિયાન સહાર પોલીસે મંગળવારે અંધેરી પૂર્વના સંજય નગર સ્થિત દુકાનમાં નાયલોન માંજા વેચનારા દુકાનદાર કૈલાસ મહાદે સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ જ રીતે દિંડોશી પોલીસે પણ કાર્યવાહી કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.