કોસ્ટલ રોડ પર કારે અડફેટમાં લેતાં પોલીસ હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં કોસ્ટલ રોડ પર પૂરઝડવે આવી રહેલી કારે અડફેટમાં લેતાં બાવન વર્ષના પોલીસ હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું, જ્યારે મહિલા પોલીસ ઘાયલ થઇ હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અકસ્માત મંગળવારે સવારે 7.53 વાગ્યે થયો હતો. વરલી પોલીસ સ્ટેશનમાં કાર્યરત હેડ કોન્સ્ટેબલ દત્તાત્રય કુંભાર અને મહિલા કોન્સ્ટેબલ રિદ્ધિ પાટીલ સવારે બાંદ્રા-વરલી સી લિંક અને કોસ્ટલ રોડના કનેક્ટર ખાતે બંદોબસ્તમાં હાજર હતાં.
દરમિયાન પૂરપાટ વેગે આવી રહેલી કારે બંને જણને જોરદાર ટક્કર મારી હતી, જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી.
બંનેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં, જ્યાં કુંભારનું મૃત્યુ થયું હતું, જ્યારે રિદ્ધિ પાટીલની સારવાર ચાલી રહી છે.
કાર ડ્રાઇવરની ઓળખ રામચંદ્ર રાણે (46) તરીકે થઇ હોઇ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને કાર પણ જપ્ત કરવામાં આવી હતી. (પીટીઆઇ)
આ પણ વાંચો…કોસ્ટલ રોડની દેખરેખ માટે વર્ષે રૂ. ૧૮ કરોડનો ખર્ચ